આરટીઓ જામનગર દ્વારા મોટર વાહનવેરો બાકી હોય તેવા વાહન ચાલકો વિરૂધ્ધ ચેકિંગ ઝુંબેશ હાથ ધરી હતી.
સિકકા, મોટી ખાવડી, ચેલા ચંગા પાટીયા, જોડિયા સહિતના વિસ્તારોમાં ટેકસ વસુલાત અંગે ચેકિંગ ડ્રાઇવ યોજાઇ હતી. આ ચેકિંગની ડ્રાઇવમાં 6,88,774નો દંડ વસુલાયો હતો. તેમજ ચાર વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા હતાં.
મોટર વાહન વેરો એ રાજય સરકારની આવકનો મહત્વનો ભાગ છે. નોંધણીય છે કે, જામનગર જેવા જિલ્લામાં મોટા ઔદ્યોગિક એકમો રહેલા હોય અને દરિયાઇ બંદરો(પોર્ટ) પણ રહેલા હોય તેથી જામનગર જિલ્લામાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગનું પ્રમાણ વધુ છે. જેથી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા કેરકાલ વાહનોનાં મોટર વાહન વેરાઘણા સમયથી ભરાયેલ ન હોવાનું આર.ટી.ઓ. જામનગર કચેરીનાં ધ્યાન પર આવ્યું હતું.
જેથી વાહન વ્યવહાર કમિશ્ર્નર, ગાંધીનગર, ગુજરાત રાજયની સુચનાથી અને ઇ.ચા. આર.ટી.ઓ. જામનગર જે.જે.ચૌધરીના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો બનાવીને તા.5-03-2022થી તા. 7-03-2022 દરમિયાન સિકકા, મોટી ખાવડી, ચેલા-ચંગા પાટીયા, ખિજડીયા ચોકકી, જોડીયા, કાલાવડ, જામજોધપુર જેવા વિસ્તારોમાં બાકી ટેક્ષ વસુલાત કરવા અંગેની ચેકીંગ ડ્રાઇવ આયોજીત કરી હતી. જેમાં કુલ-21 ટેક્ષ ડિફોલ્ટર વાહનોને મેમા આપીને કુલ રૂા.9,46,313નો દંડ કર્યો હતો. જે પૈકી રૂા.6,88,774નો દંડ વસુલાત પૂર્ણ કરી હતી. જે પૈકી ટેક્ષ ભરવાના બાકી રહેલ 04 વાહનોને ડીટેઇન કર્યા હતા.
વધુમાં ઇ.ચા. આર.ટી.ઓ. જામનગર જે.જે.ચૌધરી દ્વારા મોટર વાહન વેરો બાકી હોય તેવા વાહનોને કબજો ધરાવતા કે માલિકોને તેઓનાં વાહનોનો સત્વરે બાકી વેરો ઓનલાઇન પરીવહન પોર્ટલ પર કે, આર.ટી.ઓ. કચેરી ખાતે ભરી જવા અપીલ કરવામાં આવી છે. ચેકીંગ ડ્રાઇવ દરમિયાન વાહનને બિન-જરૂરી રીતે રોકી રાખવ ન પડે અને ડીટેઇન ન કરવું પડે.