દશાશ્રીમાળી અને વણિક જૈન વિદ્યાર્થી ભવન, માલવીયા ચોક ખાતે જેન બોર્ડિંગના ગ્રાઉન્ડમાં 1100 વારની જગ્યામાં આકાર લેનારા ડો. ચમનભાઇ જે. દેસાઇ અને જશવંતીબેન દેસાઇની સ્મૃતિમાં સેવા ભવન નામકરણનો ચંદ્રદનભાઇ દેસાઇએ રૂા. 1.62 કરોડમાં અને 6 હજાર સ્ક્વેરફીટના વિશાળ મહાવીર હોલ નામકરણનો રૂા. 72 લાખમાં સુશિલાબેન ઇન્દુભાઇ બદાણીએ લાભ લીધો હતો. દાતા પરિવારના હસ્તે ભૂમિપૂજન વિધિ સંપનન થઇ હતી.
નવનિર્મિત સેવા ભવનના નિશ્રાદાતા પૂ. ધીરગુરુદેવ નિદ્રવિજેતા, એકાવતારી પૂ. ડુંગરગુરુદેવની 201મી પૂણ્યતિથિ નિમિત્તે ગુણાંજલિ અર્પણ કરતાં જણાવેલ કે, ગોંડલ સંપ્રદાયના ક્ષેત્રોમાં જૈનોની સંખ્યા, ઉપાશ્રય, વૈયાવચ્ચ વગેરેમાં રાજકોટ મુખ્ય ક્ષેત્ર બની ગયું છે. ત્યારે સમાજ ઉપયોગી ભવન, હોલ અને અતિથિ-હાઉસ અનેકને સહાયક બની રહેશે.
મુકેશભાઇ કામદારે ગુરુદેવના વિઝનને બિરદાવી દાતાઓને વિવિધ વિભાગમાં લાભ લેવા અનુરોધ કર્યો હતો. કામદાર ધર્માલય, ઇન્દ્રપ્રસ્થનગર, શ્રમજીવી, વૈશાલીનગર, રામકૃષ્ણનગર, મહાવીરનગર, સરિતાવિહાર વગેરે સંઘો, દાતાઓ પ્રેરક શ્રેણીમાં તેમજ એક સદ્ગૃહસ્થે રૂા. 11 લાખનું અનુદાન જાહેર કર્યું હતું. પ્રમુખ મહેન્દ્રભાઇ મહેતાએ સ્વાગત અને કમિટીએ દાતાઓનું સન્માન કર્યું હતું. નવકારશીની વ્યવસ્થાને સહુએ બિરદાવી હતી.
જ્યારે ઇન્દ્રપ્રસ્થનગરમાં ઉપાશ્રય વિસ્તૃતિકરણની શિલારોપણવિધિ ચંદ્રવદનભાઇ દેસાઇ, શ્રીમતી ચંદ્રીકાબેન પ્રફુલ્લભાઇ જસાણી વગેરેના હસ્તે કરાઇ હતી. જશાપરમાં પૂ. ધીરગુરુદેવનો ચાતુર્માસ પ્રવેશ 26 જૂનના સવારે 9:15 કલાકે યોજાયેલ છે. વધુ માહિતી માટે મો. 98242 33272નો સંપર્ક કરવા યાદી જણાવે છે.