ભાણવડ તાલુકાના માનપર ગામના રહીશ એવા એક વૃદ્ધને શનિવારે ભર બપોરે રેલવે ફાટક નજીક એક અજાણ્યા મોટરસાયકલના ચાલકે પછાડી દઈ અને તેની પાસે રહેલી રોકડ રકમ પૈકી રૂપિયા દોઢ લાખની લૂંટ ચલાવી અને નાસી ગયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેને પોલીસ દ્વારા તાકીદની કાર્યવાહી કરી, અને ઝડપી લેવામાં આવ્યો છે.
આ સમગ્ર પ્રકરણ અંગે ભાણવડ તાબેના માનપર ગામના વાડી વિસ્તારમાં રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા કેશવભાઈ દેવશીભાઈ પીપરોતર નામના 72 વર્ષના સગર વૃદ્ધ શનિવારે બપોરે આશરે બે વાગ્યાના સમયે ભાણવડની સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાંથી પાક ધીરાણના રૂપિયા અઢી લાખ લઈ, અને તેમના જીજે-37-એ-5399 નંબરના મોટરસાયકલ પર બેસીને પોતાના ઘરે જઈ રહ્યા હતા.
ત્યારે ફતેપુર ગામ તરફ જતા માર્ગે રેલવે ફાટક નજીક પહોંચતા અહીં એકાએક જીજે-25-ઈ-9583 નંબરનો એક મોટરસાયકલનો ચાલક લૂંટ કરવાના ઇરાદાથી ધસી આવ્યો હતો અને તેણે કેશવભાઈ પીપરોતરના મોટરસાયકલ આડે પોતાની મોટરસાયકલ વડે ધક્કો મારી અને તેમને પછાડી દીધા હતા.
ત્યાર બાદ આરોપીએ કેશુભાઈને ધક્કો મારીને તેમની પાસે રહેલી રૂ. અઢી લાખની રોકડ રકમ ભરેલી થેલીમાંથી રૂપિયા દોઢ લાખની લૂંટ કરીને નાસી છૂટ્યો હોવાનું જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણ અંગે ભાણવડ પોલીસે કેશુભાઈ દેવશીભાઈ સગરની ફરિયાદ પરથી મોટરસાયકલ સામે આઈ.પી.સી. કલમ 394 મુજબ ગુનો નોંઘ્યો હતો.
આ સમગ્ર પ્રકરણ સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ ભાણવડ પોલીસ દ્વારા એલ.સી.બી. પોલીસની ટીમને સાથે રાખીને સધન ચેકિંગ તેમજ વ્યાપક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં એલસીબીના પી.આઈ. કે.કે. ગોહિલ તેમજ ભાણવડના પી.એસ.આઈ. એમ.આર. સવસેટાની ટીમ દ્વારા તાકીદની કાર્યવાહી કરીને જુદા જુદા વિસ્તારોના સી.સી. ટી.વી. ચેક કરવામાં આવતા આ પ્રકરણમાં એક મોટરસાયકલ ચાલક દ્વારા ફરિયાદીનો પીછો કરવામાં આવ્યો હોવાનું ધ્યાને આવ્યું હતું.
આથી પોલીસની ટેકનીકલ અને હ્યુમન રીસોર્સિસની ટીમ દ્વારા આ પ્રકરણમાં આરોપી મોટરસાયકલ નંબર જી.જે. 25 ઈ. 9583 નંબરનો ચાલક યુનુસ હનીફમિયાં રફાઈ (રહે. રામેશ્વર પ્લોટ, મેન બજાર, ભાણવડ) હોવાનું ધ્યાને આવ્યું હતું. જેને અનુલક્ષીને પોલીસ દ્વારા આરોપી ફકીર યુનુસ હનીફ મિયાં રફાઇ (ઉ.વ. 33) ની ગણતરીની કલાકોમાં અટકાયત કરી, આગવી ઢબે પૂછપરછ કરતા તેણે લૂંટ અંગેના ગુનાની કબુલાત આપી હતી. પોલીસે આરોપી પાસેથી લૂંટના મુદ્દામાલની રૂપિયા દોઢ લાખની રકમ પણ કબજે લીધી છે.
આ સમગ્ર કાર્યવાહી એલસીબી પી.આઈ. કે.કે. ગોહિલ, પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એમ.આર. સવસેટા, એન.એન. વાળા તેમજ એલસીબી અને ભાણવડ પોલીસમાં મથકના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.