જામનગર નજીક મોરકંડા રોડ પર ઢાળિયા પાસે આવેલા સનસિટી – 2 માંથી બાઈક પર શાકભાજી લેવા જતાં યુવાનને વહેલીસવારે ત્રણ શખ્સોએ આંતરીને ત્રણ હજારની રોકડની લૂંટ ચલાવી હતી. આ લૂંટના બનાવમાં લોકો એકઠાં થઈ જતાં બે શખ્સોને ઝડપીને લમધાર્યા હતાં ત્યારબાદ પોલીસે ત્રીજા લૂંટારુને પણ ઝડપી લીધો હતો.
લૂંટના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં મોરકંડા રોડ પર આવેલા સનસિટી -2 વિસ્તારમાં દેડકાવાળાની વાડીમાં રહેતો હિતેશ અમુભાઈ પરમાર નામનો યુવાન શનિવારે વહેલીસવારના પાંચ વાગ્યાના અરસામાં તેની બાઈક પર હાપા માર્કેટીંગ યાર્ડ પર શાકભાજી લેવા જતો હતો તે દરમિયાન સનસિટી-2 ના ઢાળિયા પાસે પહોંચ્યો ત્યારે સામેથી બાઈક પર આવેલા ત્રણ શખ્સોએ યુવાનને આંતરીને છરી ગળા ઉપર રાખી તેના ખીસ્સામાં રહેલી આશરે રૂા.3000ની રોકડની લૂંટ ચલાવી હતી. લૂંટના બનાવ બાદ યુવાને બુમાબુમ કરતાં લોકો એકઠા થઈ ગયા હતાં અને લોકોએ લૂંટારુઓને બે શખ્સોને દબોચી લીધા હતાં. બન્ને લૂંટારુઓને ઝડપી લઇ લમધાર્યા હતાં. જો કે, એક શખ્સ નાશી ગયો હતો. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસમાં કરવામાં આવતા પીએસઆઈ વી.આર. ગામીત તથા સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને બે લૂંટારુઓની અટકાયત કરી હતી.
ત્યારબાદ પોલીસે લૂંટનો ભોગ બનનાર હિતેશના નિવેદનના આધારે વકાશ હુશેન હનિફ શેખ, ઈમરાન હનિફ સમા, ખલીલ ઈસ્માઇલ નામના ત્રણ શખ્સો વિરૂધ્ધ લૂંટનો ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી ત્રીજા શખ્સને પણ દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.