જામનગર શહેરના કેટલાંક પોશ વિસ્તારોમાં આવારા અને લુખ્ખા તત્વો દ્વારા લૂંટ અને તોડતાડ કરવામાં આવતી હોવાની ચોકાવનારી બાબત સામે આવી છે. છેલ્લાં કેટલાંક દિવસોમાં આ વિસ્તારોમાં ખુલ્લે આમ લૂંટના બનાવો બન્યા હોવાનું સોશ્યલ મિડિયામાં ચર્ચાય રહ્યું છે. જોકે, આ ઘટનાઓ અંગે પોલીસ ફરિયાદ નોંધાય ન હોય બહુ વિગતો બહાર આવી નથી. પરંતું આવી ઘટનાઓ સામાન્ય નાગરિકોમાં ભય પેદા કર્યો છે. જયારે પોલીસની કાર્યવાહી અને જવાબદારીને લઇને પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે.
જામનગરવાસીઓ ખાસ કરીને શહેરના પોશ વિસ્તારમાં રહેતાં અને ત્યાંથી પસાર થતાં નાગરિકો માટે આવી ઘટનાઓ ભય અને આતંક સમાન છે. સોશ્યલ મિડિયામાં આ ઘટનાઓ ચર્ચાસ્પદ બની છે. જોકે, પોલીસતંત્ર આવી ઘટનાઓ અંગે અજાણ છે. અથવા તો આંખ આડા કાન કરી રહી છે. સોશ્યલ મિડિયામાં આવી કેટલીક ચોકાવનારી ઘટનાઓનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. જે અનુસાર ગત્ અઠવાડિયે સ્વતિક સોસાયટી વિસ્તારમાં આવેલ સ્ટરલિંગ એપાર્ટમેન્ટ પાસે બપોરના સમયે એક આસામીને છરીની અણીએ લૂંટી લેવામાં આવ્યો હતો. પણ આ ઘટના અંગે ફરિયાદ નોંધાવવામાં આવી નથી. આ ઉપરાંત થોડાં દિવસો પહેલાં શહેરના એક પ્રતિષ્ઠિત આર્કિટેક રાત્રીના સમયે બહારગામથી આવી રહ્યા હતાં ત્યારે સુભાષ બ્રિજ નજીક એક બાઇક ચાલકે તેમની કારને આંતરીને ગાળા-ગાળી અને ધાક-ધમકીઓ આપી હતી. આ વાહનમાં મહિલાઓ પણ સવાર હોવાને કારણે કાર ચાલક પોતાની કાર ભગાવીને નાસવામાં સફળ થયાં હતાં. તેમણે બેડી ગેઇટ પર પહોંચીને ત્યાં હાજર રહેલાં પોલીસકર્મીને આ ઘટના અંગે જાણ પણ કરી હતી. પોલીસકર્મીના સહકાર ભર્યા વલણને કારણે પીછો કરી રહેલો બાઇક ચાલક નાસી ગયો હતો.
આ પ્રકારે શહેરના જુદાં-જુદાં વિસ્તારોમાં ખાસ કરીને સુમસાન જણાતા રસ્તાઓ પર કેટલાંક આવારા અને લુખ્ખાં તત્વો ઇરાદા પૂર્વક સજ્જન શહેરીજનો સાથે પોતાનું વાહન અથડાવી બાદમાં તેને ધાક-ધમકી આપી નાણાં પડાવતાં હોવાનું પણ સામે આવ્યું છે. આ તત્વોએ લુંટફાટ કરવાની એક નવતર મોડસ ઓપરેન્ડી અપનાવી હોય તેવું જણાય રહ્યું છે. આવી ઘટનાઓ શહેરીજનોને સાવધાન રહેવાં સુચવી રહી છે. સામાન્ય રીતે સુજ્ઞ નાગરિકો પોલીસની પડોજણમાં પડવા માંગતા ન હોય આવી ઘટનાઓ અંગે પોલીસમાં ફરિયાદ કરતાં નથી. પરિણામે આવા તત્વોને પ્રોતસાહન મળે છે. ત્યારે આ પ્રકારની ગુન્હાહિત પ્રવૃતિ અટકાવવા માટે શકય હોય તો મોડીરાત્રે સુમસામ રસ્તાઓ પર એકલાં પસાર ન થવું તેમ છતાં આવી ઘટના ઘટે તો હિમ્મત પૂર્વક પોલીસને જાણ કરવી. એટલું જ નહીં શકય હોય તો આવા તત્વોના અને તેમના વાહનોના પોતાના મોબાઇલમાં ફોટોગ્રાફ પણ લઇ લેવાં. સોશ્યલ મિડિયા અનુસાર શહેરના વાલકેશ્વરી નગરી, સ્વસ્તિક સોસાયટી, વિરલબાગ, પેલેસ રોડ, જોગસ પાર્ક જેવાં પોશ વિસ્તારોમાં છેલ્લાં કેટલાંક દિવસોમાં આવી ઘટનાઓ ઘટી છે.બીજી તરફ પોલીસે પણ કોઇપણ ફરિયાદનો આગ્ર રાખ્યાં વગર પોતાના ગુપ્તચર તંત્ર કામે લગાડવું જોઇએ અને રાત્રીના સમયે આવા સુમસામ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ પણ વધારવું જોઇએ તેવી લાગણી નાગરિકોમાં બળવતર બની છે. જામનગરના બાહોસ એસપી દિપન ભદ્રન પણ આ બાબતે સ્વ સંજ્ઞાન લઇ પોલીસને સર્તક કરી આવા તત્વોથી નાગરિકોને સુરક્ષીત બનાવે તે જરૂરી છે.
જામનગરના પોશ વિસ્તારમાં લૂંટ અને તોડતાડ ?
ફરિયાદના અભાવે દબાય જતી ઘટનાઓથી આવારા તત્વોના હોંસલા બુલંદ