રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે સૌરાષ્ટ્રના પ્રવાસે આવનાર છે અને રાજકોટ તથા જામનગરમાં અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે ઉપરાંત નજીકના ભવિષ્યમાં મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીઓને ઘ્યાનમાં રાખીને બન્ને મહાનગરોના કોર્પોરેટરો સાથે બેઠક યોજી ચર્ચા વિચારણા કરી આગામી ચૂંટણી માટેની તૈયારીઓને અનુલક્ષીને સુચનાઓ તેમજ માર્ગદર્શન આપશે.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે રાજકોટ અને જામનગરની શુભેચ્છા મુલાકાતે આવનાર છે. આ બન્ને મહાનગરપાલિકામાં થયેલા વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. ઉપરાંત બન્ને મહાનગરોના કોર્પોરેટરો સાથે બેઠક યોજી નજીકમાં યોજાનારી મહાનગરપાલિકાની ચૂંટણીને ઘ્યાનમાં રાખીને સૂચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી શનિવારે જામનગરમાં આવનાર હોય અને તેમની મુલાકાતને ઘ્યાનમાં રાખીને મહાનગરપાલિકાનું તંત્ર તડામાર તૈયારીમાં લાગી ગયું છે. મુખ્યમંત્રીના આગમન પૂર્વે તેમના રોકાણ સુધી તમામ રસ્તાઓ ઉપર કલરકામ અને સાફસુથરા તથા ચોખ્ખાચણાક બનાવી દીધાં છે. જામનગરના એરપોર્ટથી લઇને ટાઉનહોલ સુધીના માર્ગ ઉપરાંત સંભવિત કાર્યક્રમને અનુરૂપ કલેકટર કચેરી, ગુલાબનગર સહિતના રસ્તાઓ પર યુદ્ધના ધોરણે દિવસરાત એક કરીને સાફસફાઇની કામગીરી કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનિય છે કે, મુખ્યમંત્રીના આગમન પૂર્વે તેમના રૂટવાળા રસ્તાઓ ઉપર તાત્કાલિક અસરથી તૂટી ગયેલી રેલિંગ પણ નવા સાંધા મારીને રંગરોગાન કરી દેવામાં આવી છે અને જે રસ્તાઓ ઉપર ખાડા ખડબા હોય ત્યાં પરફેક્ટ લેવલીંગ કરી પેચવર્ક ઉપરાંત મુખ્યમંત્રીના રસ્તામાંથી નડતરરૂપ સ્પીડ બ્રેકરો પણ રાતોરાત ગાયબ કરી દેવાયા છે. પેવર રોડ બનાવી દીધો છે. તથા મુખ્યમંત્રીના રૂટના રસ્તાઓ પરથી રેંકડીના દબાણો તથા પથારાવાળા અને હોર્ડિંગ્સ બોર્ડ પણ યુદ્ધના ધોરણે દૂર કરી દેવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીના આગમન પહેલાં જ જામનગર શહેરને નવા રંગરૂપમાં શહેરીજનો નિહાળશે. કેમ કે, મુખ્યમંત્રીના આગમન પહેલાં જ અનેક રસ્તા પરથી દબાણો અને હોર્ડિંગ્ઝ તથા રેંકડીઓ, સ્પીડ બ્રેકરો ગાયબ થઇ જતાં અમુક રસ્તાઓ પર નવું જામનગર જોવા મળી રહ્યું છે. ત્યારે શહેરીજનોમાં એવા પણ તર્ક વિતર્કો થઇ રહ્યા છે કે મુખ્યમંત્રી કે વડાપ્રધાન સમયાંતરે શહેરના મોટાભાગના રસ્તાઓ પરથી પસાર થતા હોય તો શહેર અલગ જ દ્રશ્યમાન થાય. પરંતુ આ તો થોડા દિવસોનું નવું રૂપ હોય છે જે મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી તેમનો પ્રવાસ પૂર્ણ કરીને પરત ફરે ત્યારબાદ જામનગર રાબેતા મુજબનું જોવા મળતું હોય છે.


