કોરોના વાયરસથી સંક્રમિત રાષ્ટ્રીય લોકદળ પ્રમુખ અને પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહના દીકરા અજીત સિંહનું ગુરુવારે વહેલી સવારે નિધન થઈ ગયું છે. 82 વર્ષના ચૌધરી અજીત સિંહે ગુરુગ્રામની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા ઘણાં દિવસોથી કોરોનાથી સંક્રમિત હતા. ફેફસામાં સંક્રમણ ફેલાવાના કારણે તેમને નિમોનિયા થયો હતો. ડોક્ટર્સે જણાવ્યું કે, છેલ્લાં બે દિવસથી તેમની સ્થિતિ ગંભીર હતી. અજીત સિંહનો દબદહો પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં ઘણો જોવા મળતો હતો. તેઓ જાટના મોટા નેતા માનવામાં આવે છે. તેઓ ઘણી વાર કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે. છેલ્લી 2 લોકસભા ચૂંટણી અને 2 વિધાનસભા ચૂંટણી દરમિયાન રાષ્ટ્રીય લોકદળનો ગ્રાફ ઝડપથી નીચે આવ્યો હતો. આ જ કારણથી તેઓ તેમના ગઢ બાગપતમાંથી લોકસભા ચૂંટણી હારી ગયા હતા. અજીત સિંહના દીકરા સુપુત્ર જયંત ચૌધરી પણ મથુરાથી લોકસભા સીટથી ચૂંટણી હાર્યા હતા.