ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીઓ આજે ધનતેરસના શુભ દિવસે કાર્યભાર સંભાળવવાનો પ્રારંભ કરી દીધો છે. ગઇકાલે મંત્રીપદના શપથ લીધા બાદ મોડી સાંજે થયેલી વિભાગોની ફાળવણી બાદ આજ સવારથી એક પછી એક નવા મંત્રીઓએ પોતપોતાની કચેરીઓમાં વિધીપૂર્વક ધનતેરસના શુભદિવસે શુભ મહુર્તમાં કાર્યભાર સંભાળવાની શરૂઆત કરી દીધી છે. આજે સાંજ સુધીમાં લગભગ તમામ મંત્રીઓ પોતાના વિભાગનો કાર્યભાર સંભાળી લેશે. જામનગરના રિવાબા જાડેજા પ્રથમ ટર્મમાં જ મંત્રી બનતા તેમને પ્રાથમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો છે. રીવાબા જાડેજાએ આજે વિધિપૂર્વક પોતાના વિભાગનો કાર્યભાર સંભાળી લીધો હતો. આ સમયે તેમના પતિ અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજા તથા પુત્રી પણ ઉપસ્થિત રહ્યા હતાં. સૌ પ્રથમ આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે ચાર્જ લીધો હતો. 11:45 વાગ્યે હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી તરીકે હોદ્દો સંભાળ્યો હતો. રાજ્ય આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા વિજય મુહૂર્તે બપોરે 12:39 કલાકે સ્વતંત્ર હવાલા સાથે હોદ્દો સંભાળ્યો હતો. મહદઅંશે તમામ નવા પ્રધાનો સવારે 11થી 12:39 સુધીમાં પોતાના વિભાગોના હોદ્દા સંભાળી કાર્યનો પ્રારંભ કર્યો છે.દિવાળી અને નૂતન વર્ષ પર્વ નિમિત્તે 26 નવેમ્બર સુધી સચિવાલયમાં વેકેશન રહેશે. 27 ઓક્ટોબરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવરચિત સરકાર સંપૂર્ણ રીતે કાર્યરત થશે. ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ 1 અને 2માં આજે નવા પ્રધાનોના આવકાર માટે ઉત્સવનું આયોજન કરાયું છે.


