કોરોનાની ત્રીજી લહેરની આશંકાઓ વચ્ચે રાજધાની દિલ્હી સહિત પંજાબ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, કેરળ અને ગુજરાતમાંથી કોરોનાના ગંભીર સ્વરૂપના સેમ્પલ મળી આવ્યા છે જે કોરોના સંક્રમણની ગતિને ફરીથી વધારી શકે છે. આ બધા વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને ખાસ સતર્ક રહેવા સલાહ આપી છે.
હકીકતે દેશભરના 174 જિલ્લાઓમાંથી કોરોનાના આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા સ્વરૂપના સેમ્પલ મળી આવ્યા છે. કોરોનાના આ નવા સ્વરૂપોના કારણે ફરી એક વખત કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાય તેવું જોખમ સર્જાયું છે. એટલું જ નહીં, આ નવું સ્વરૂપ વેક્સિનના ડોઝ લઈ ચુકેલા લોકોને પણ ભરડામાં લઈ રહ્યું છે. અત્યાર સુધીમાં ભારતમાં કોરોના વાયરસના 120 કરતા પણ વધારે મ્યુટેશન મળી આવ્યા છે. જોકે તેમાં આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા સ્વરૂપે સૌથી વધારે અસર દેખાડી છે. તે સિવાય ડેલ્ટા પ્લસ સ્વરૂપ પણ ખૂબ ઝડપથી વિકસી રહ્યું છે. પૂર્વોત્તરના રાજ્યોમાં વધી રહેલા કોરોનાના ગ્રાફને ધ્યાનમાં રાખીને ફરી એક વખત લોકડાઉન લાગુ કરવા અંગે વિચારણા થઈ શકે છે.
અત્યાર સુધીમાં 73 કરતા વધારે જિલ્લાઓમાં સંક્રમણ દર 10 ટકાથી વધારે આવ્યો છે જેમાંથી 48 જિલ્લાઓ પૂર્વોત્તરના રાજ્યોમાંથી છે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાની અધ્યક્ષતામાં બુધવારે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં જ્યાં સંક્રમણ વધારે હોય ત્યાં લોકડાઉન લાગુ થઈ શકે છે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો.