પેટ્રોલ-ડિઝલના ભાવ આસમાને પહોંચતા આમથી ખાસ આદમીની પરેશાની વધી છે પણ કેન્દ્ર સરકાર કોઇ રાહત આપવા માટે તૈયાર કેમ નથી, એ આશ્ચર્યજનક છે. પાછલી સરકારો પર બધો દોષનો ટોપલો ઢોળી દેવાથી વાસ્તવિકતા બદલવાની નથી. પેટ્રોલનો ભાવ કેટલાક નગરોમાં રૂ. 100એ પહોંચ્યો છે. સરકાર એમ કરીને છૂટી ન શકે કે પેટ્રોલ ડિઝલના ભાવ નિયંત્રણ મુક્ત છે. આંતરરાષ્ટ્રીય બજારોનાં ભાવ મુજબ વધઘટ થાય છે પણ સરકારને આર્થિક સંકડામણ પડે ત્યારે પેટ્રોલ-ડિઝલ પર એક્સાઈઝ વધારવામાં આવે છે અને ઘટેલા ભાવોનો ફાયદો લોકોને અપાતો નથી અને આવું મોદી સરકારે એકવાર નહીં અનેકવાર કર્યું છે. એમાં ય છેલ્લે પેટ્રોલ-ડિઝલ પર સેસ નાખીને તો હદ કરી નાખી છે. પેટ્રોલ-ડિઝલની આવક કેન્દ્ર-રાજ્ય વચ્ચે વહેંચાય છે. ભારતના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે સેસ નાખી કેન્દ્ર સરકારે આવક વધારી છે અને રાજ્ય સરકારને એનો ફાયદો મળ્યો નથી. આ નીતિ ભૂલભરેલી છે. સમવાય તંત્રના માળખાને નુકસાન પહોંચાડે છે અને યુપીએ સરકાર અને મોદી સરકારના કાળમાં ભાવ કેવા-કેટલા હતા એ સરખામણી અનેકવાર થઇ છે. ભાજપ એ ભૂલી ગયો છે કે પેટ્રોલ-ડિઝલના ભાવ મુદ્દે એમણે કેટલાં આંદોલન કર્યા છે અને જો કેટલાક રાજ્યો વેટ ઘટાડી શકે તો કેન્દ્ર સરકાર એક્સાઈઝ કેમ ન ઘટાડે ?
ચાર રાજ્યોએ કેન્દ્રને ડયુટી ઘટાડવાનો માર્ગ ચીંધ્યો છે. રાજસ્થાને આ બળતણ પરની વેટ (વેલ્યુ એડેડ ટેક્સ) ડ્યુટી બે ટકા ઘટાડવાની પહેલ કરી તે પછી મેઘાલયે ડયુટીમાં સૌથી મોટો ઘટાડો જાહેર કર્યો છે. વિધાનસભાની ચૂંટણીઓ જ્યાં યોજાવાની છે તે પશ્ચિમ બંગાળ અને આસામે પણ ડયુટી ઘટાડી છે. હજી સુધી ભાજપના શાસિત કોઈ રાજ્યએ અથવા કેન્દ્ર સરકારે આ પહેલ કેમ કરી નહીં તેનું આશ્ચર્ય તેના પ્રસંશકોને પણ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઇ નાણાપ્રધાન અને પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને બળતણના વધી રહેલા ભાવ માટેના જુદા જુદા કારણો સમજાવ્યા છે પણ કોઈએ આશ્વાસન આપ્યું નથી કે સરકાર ડયૂટી ઘટાડશે. પ્રજાને આ બળતણના ભાવો વધવા માટેના આંતરરાષ્ટ્રીય કારણો કે પાછલી સરકારની અસમર્થતા વિષે જાણવામાં રસ નથી. તેને જેટલા કાંદા, બટેટાના વધતા ભાવ દઝાડે છે તેટલા જ પેટ્રોલ, ડીઝલના વધતા ભાવ દઝાડે છે. સરકાર ભલે અત્યારે ક્રૂડતેલ ઉત્પાદક દેશો ઉપર દોષનો ટોપલો ઢોળે પણ લોકડાઉનની જાહેરાત પછી ક્રૂડ તેલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટી રહ્યા હતા ત્યારે સરકારે ડયુટી વધારી ભાવ ઘટાડાનો લાભ વપરાશકારો સુધી પહોંચવા દીધો નહોતો. હવે પેટ્રોલ-ડીઝલના ભાવ વૃદ્ધિની અસર હેઠળ રિટેલ ફુગાવો પણ ફુંફાડો મારીને વધવાની તૈયારીમાં છે ત્યારે પણ સરકાર ડયુટીમાં રાહત આપવાનું વિચારી રહી નથી.
જીએસટી કાઉન્સિલની આગામી માટિંગ ચોથી માર્ચે યોજાવાની છે તેમાં પણ આ મુદ્દો એજન્ડા ઉપર નથી. પરંતુ, કાઉન્સિલના અધ્યક્ષ હોવાના નાતે નાણાં પ્રધાનને પેટ્રોલ-ડીઝલને જીએસટી હેઠળ લાવવાની દરખાસ્ત લાવતા કોઈ રોકી શકે નહીં. આ બાબત રાજ્યો પણ કેન્દ્ર સરકાર સાથેના પરપસ્પરના મતભેદ ભૂલીને વિશાળ હિતમાં નિર્ણય લે તે ઇચ્છનીય છે. બળતણની કિંમતમાં રાહત નહીં આપવાનું વલણ લઈને તે પોતાની સમસ્યા વધારી રહી છે. મોદી સરકાર પ્રજારંજક નહીં એવા કડવા નિર્ણયો લેવા માટે જાણીતી છે પણ ક્યારેક મલમપટ્ટા તરીકે પ્રજારંજક નિર્ણયો ય લેવા પડે.