ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટતા આજથી આંશિક લોકડાઉનમાં થોડી છુટ આપવામાં આવી છે. પ્રતિબંધો હળવા થતાં રાજ્યમાં આજથી તમામ સરકારી કચેરીઓ, ખાનગી ઓફિસો 100% સ્ટાફ સાથે ખુલશે. આ ઉપરાંત શાળા-કોલેજોમાં આજથી નવું શૈક્ષણિક સત્ર ચાલુ થતાં શિક્ષકોએ 100% હાજરી સાથે શાળાએ જવાનું રહેશે. જયારે વિદ્યાર્થીઓએ ઓનલાઈન શિક્ષણ મેળવવાનું રહેશે, આ સિવાય રાજ્યની તમામ જીલ્લા કોર્ટ આજથી શરુ કરવામાં આવી છે.
રાજ્યની શાળા કોલેજોમાં આજથી નવું શૈક્ષણિક સત્ર શરુ
રાજ્યની શાળા-કોલેજોમાં 1.27 કરોડ વિદ્યાર્થીનું નવું શૈક્ષણિક સત્ર આજથી શરુ થયું છે. શિક્ષકોએ 100 ટકા હાજરી સાથે શાળા-કોલેજમાં આવવાનું રહેશે. પરંતુ વિદ્યાર્થીઓએ ઘરે બેસીને ઓનલાઇન શિક્ષણ મેળવવાનું રહેશે. આર્ટ્સ, કોર્મસ, સાયન્સ, ડીગ્રી-ડિપ્લોમાં ઇજનેરી સહિતના ટેક્નિકલ અભ્યાસક્રમના આશરે 7 લાખ વિદ્યાર્થીનું શિક્ષણકાર્ય હાથ ધરાશે. શિક્ષકો અને બિન શૈક્ષણિક કર્મચારીઓએ શાળાએ જવાનું રહેશે.
100% કર્મચારીઓ સાથે સરકારી-ખાનગી કચેરીઓ ખુલશે
કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખીને રાજ્યમાં 50% કર્મચારીઓના સ્ટાફ સાથે કામ કરવાની છુટ આપવામાં આવી હતી. પરંતુ સંક્રમણ ઓછુ થતાં રાજ્યમાં આજથી તમામ સરકારી ખાનગી ઓફિસો 100% કર્મચારીઓ સાથે ખુલશે. પરંતુ ધંધા-રોજગાર અને દુકાનો સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી જ ખુલ્લા રાખી શકાશે.
રાજ્યની તમામ જીલ્લા કોર્ટ આજથી શરુ
ગુજરાતની તમામ જીલ્લા કોર્ટ આજથી પુનઃ કાર્યરત થશે. હાઇકોર્ટ દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં નિર્દેશ અપાયો છે કે માઇક્રોકન્ટેઇનમેન્ટ ઝોન સિવાયના તમામ વિસ્તારોની કોર્ટો સાતમી જૂનથી સંપૂર્ણપણે ખોલવામાં આવે અને માઇક્રોકન્ટેઇનમેન્ટ ઝોનમાં આવેલી કોર્ટો ઓનલાઇન માધ્મયથી ચાલુ રાખવામાં આવે. કોર્ટ સંકુલમાં વારંવાર સ્પર્શ પામતી જગ્યાઓ જેવી કે સીડીઓ પરની હેન્ડ રેલિંગ, ડોપ હેન્ડલ, ખુરશીઓ, કેસ ફાઇલિંગની બારી વગેરેને દૈનિક ધોરણે સેનેટાઇઝ કરવાના રહેશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતીકાલથી ખુલશે
સ્ટેચ્યૂ ઓફ યુનિટી 8મીથી ફરી શરૂ થશે. આ માટે ઓનલાઈન ટિકિટ બુકિંંગ શરૂ થઈ ગયું છે. હોટલ અને ટેન્ટ સિટી માટે પણ બુકિંગ ઇન્કવાયરી શરૂ થઈ છે. પરંતુ રાત્રિ કર્ફ્યૂ રાત્રે 9થી સવારે 6 કલાક દરમિયાન રહેશે.
50% મુસાફરો સાથે BRTS શરૂ થઇ
આજથી અમદાવાદમાં બીઆરટીએસ અને એએમટીએસની બસ 50 ટકા મુસાફરોની ક્ષમતા સાથે શરૂ થઈ છે.
હજુ શુ બંધ રહેશે ?
સ્વિમિંગ પુલ,જિમ, કોચિંગ કલાસ, સિનેમા થિયેટરો, ઓડિટોરિયમ, વોટર પાર્ક, બાગ-બગીચા,મનોરંજક સ્થળો, સ્પા બંધ રહેશે.મંદિરો સહિતનાં ધાર્મિક સ્થાનો બંધ રહેશે, માત્ર પૂજારી પૂજાવિધિ કરી શકશે કોઇપણ પ્રકારના રાજકીય-સામાજિક કાર્યક્રમો નહી યોજાય, રાત્રી કર્ફ્યું યથાવત રહેશે. ધંધા રોજગાર સાંજે 6 વાગ્યા સુધી કરી શકાશે.