મહાપાલિકા પરિસરમાં લાંચ લેતાં રંગેહાથ ઝડપાઇ ગયેલા વોર્ડ નં. 6ના બસપાના કોર્પોરેટર ફુરકાન શેખને સભ્યપદેથી ગેરલાયક ઠરાવવા માટેની દરખાસ્તને જામ્યુકોની સામાન્ય સભાએ બહાલી આપી છે. આ દરખાસ્તના વિરોધમાં ઉગ્ર બોલાચાલી બાદ વિપક્ષી સભ્યો વોકઆઉટ કરી ગયા હતાં. તેમણે હાલ આ દરખાસ્તને મોકૂફ રાખવા તેમજ જ્યાં સુધી ગુનો સાબિત ન થાય ત્યાં સુધી કાર્યવાહી થઇ શકે નહીં. તેવી દલીલ સાથે માગણી કરી હતી.
મેયર બીનાબેન કોઠારીના અધ્યક્ષસ્થાને યોજાયેલી જામનગર મહાપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષી સભ્ય ફુરકાન શેખને લઇને તડાપીટ બોલી હતી. ડીએમસીની ફુરકાન શેખને ગેરલાયક ઠરાવવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવતાં જ વિપક્ષી સભ્યો દલીલ પર ઉતરી આવ્યા હતાં. તેમણે અન્ય મહાપાલિકાના ઠરાવનું ખોટુ અર્થઘટન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. તેમજ દરખાસ્ત મોકુફ રાખવાની માગણી કરી હતી. જે સ્વિકારવામાં નહીં આવતાં વિપક્ષી સભ્યો વોકઆઉટ કરી ગયા હતાં.
આ પહેલા જામનગર શહેરમાં પશુઓનું વ્યાપ્ત લમ્પિ રોગચાળાને નાથવામાં જામ્યુકોની નિષ્ફળતાને ઉજાગર કરતાં વિપક્ષી કોર્પોરેટર રચના નંદાણિયાએ સભાના પ્રારંભ પહેલાં લમ્પિગ્રસ્ત ગાયના ગેટઅપમાં આવીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. લમ્પિ રોગચાળાનો ભોગ બનેલા પશુઓના મૃત્યુનો મલાજો પણ જળવાતો ન હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. આ ઉપરાંત જામનગર મહાપાલિકાના નવા વિસ્તારોમાં નવી ટીપી સ્કિમો બનાવીને તેને સરકારમાં રજૂ કરવા સૈધ્ધાંતિક સ્વિકાર કરી ઝડપભેર નવી ટીપી સ્કિમો બનાવવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી.