નિવૃત્તિ બાદ પણ નોકરીમાં રહેલા જામનગર મહાનગરપાલિકાના સેક્રેટરી દ્વારા ગત તા. 28ના રોજ રાજીનામું આપ્યા બાદ ગઇકાલથી જામ્યુકો કાર્યાલય છોડયું હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમના આ રાજીનામાનો નિર્ણય સ્ટેન્ડીંગ કમિટી દ્વારા લેવામાં આવશે.
નિવૃત્ત સરકારી કર્મચારીઓને સરકારની પૂર્વ મંજુરી વગર પુન: કોન્ટ્રાકબેઇઝ ઉપર નોકરી રાખવા નહીં તેવા સરકારી પરિપત્રની કડક અમલવારી અંગે રાજય સરકારની સૂચના બાદ જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદી દ્વારા જામ્યુકોમાં નિવૃતિ પછી પણ નોકરી કરી રહેલાં 8 જેટલા કર્મચારીઓને છૂટા કરવા આદેશ કર્યો છે. છેલ્લા એકાદ વર્ષમાં જામ્યુકોમાંથી નિવૃત થયેલા ડ્રાઇવર, પટ્ટાવાળાઓ, લાઇનમેનો સહિત આઠ જેટલા કર્મચારીઓ નિવૃતિ બાદ ફરી કોન્ટ્રાકટ બેઇઝ પર ફરજ બજાવી રહયા હતા. જેને છુટા કરવા આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મેયર કાર્યાલય હસ્તકના સેક્રેટરી ટુ મેયરને પણ છુટા કરવા અંગે મેયર ચેરમેનને પત્ર લખી કાર્યવાહી કરવા જાણ કરવામાં આવી છે.
આ કાર્યવાહી થાય તે પૂર્વે જ સેક્રેટરી અશોકભાઇ પરમાર દ્વારા ગત તા. 28મીએ રાજીનામું આપી દઇ કામગીરી ચાલુ રાખી હતી. જે બાદ ગઇકાલથી કેચેરી આવવાનું બંધ કરી દીધું હોવાનું જાણવા મળી રહયું છે. આ અંગે સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં નિર્ણય થશે. તેમનું રાજીનામું સ્વીકાર કરવો કે અસ્વીકાર કરવો તે અંગે સ્ટેન્ડીંગ કમિટી નિર્ણય લેશે તેમ જાણવા મળી રહયું છે.