જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં રોડ-પાણી અને ભૂગર્ભ ગટર સહિતની સુવિધાનો અભાવ હોવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ચૂકયા છે. જોડિયા ગ્રામ પંચાયતની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાને કારણે લોકોને પડતી મુશ્કેલી અંગે જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી.
20 હજારની વસ્તી ધરાવતા જોડિયામાં રોડ પાણી તથા ભૂગર્ભ ગટર જેવી પ્રાથમિક સુવિધાનો વર્ષોથી અભાવ હોય, લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગ્રામ પંચાયત જોડિયાની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાને કારણે તેમજ તાલુકા પંચાયતમાંથી વિકાસની પરવાનગી ન મળવાને કારણે જોડિયાનો વિકાસ રૂંધાયો છે. આથી જોડિયાના સરપંચ બાવલાભાઈ નોતિયાર, જિલ્લા કોંગે્રસ પ્રમુખ જીવણભાઈ કુંભારવડિયા, માજી તાલુકા સદસ્ય ફરીદભાઈ પરમલ, યુથ કોંગે્રસ જામનગર ગ્રામ્ય પ્રમુખ હસનભાઈ સોઢા, ઓલ ઈન્ડીયા સુન્ની મુસ્લિમ વાઘેર સમાજના પ્રમુખ હારુનભાઈ પલેજા સહિતના જોડિયાના આગેવાનો સાથે નાયબ જિલ્લા વિકાસ અધિકારીને રૂબરૂ મળી રજૂઆત કરી હતી.
જેમાં જણાવ્યું હતું કે, જોડિયા ગામમાં ભૂગર્ભ ગટરની સફાઈ માટેનું મશીન તેમજ ટે્રકટર પંદરમા નાણાપંચ અંતર્ગત 2020-21 ના વર્ષમાં મંજૂર થયું હોવા છતાં હજુ સુધી તાલુકા પંચાયતની મંજૂરી મળી નથી. તેમજ પંચાયતની સ્વભંડોળની રકમમાંથી રોડ રસ્તાની પરવાનગી આપવામાં ન આવતા લોકો હાર્ડમારીનો સામનો કરી રહ્યા છે. આથી તાત્કાલિક મંજૂરી આપવા રજૂઆત કરી હતી.