ભારતીય કોસ્ટ ગાર્ડ તથા એટીએસ દ્વારા સોમવારે હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં પાકિસ્તાનની “અલ સોહેલી” નામની બોટનેમાંથી 40 કિલો ડ્રગ્સ કે જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂપિયા 280 કરોડ જેટલી આંકવામાં આવી છે, તેની સાથે એજન્સીઓ દ્વારા 10 ખેલાસીઓને પણ પકડી પાડવામાં આવ્યા હતા.
તેમાં કોર્સગાર્ડની શીપમાં છ શખ્સોને ઓખા લઈ આવવામાં આવ્યા હતા. ત્યારબાદ અન્ય એક બોટ સાથે બાંધીને અલ સોહેલી બોટ તથા બાકીના ચાર શખ્સો પણ ઓખા પહોંચતા એટીએસ તથા અન્ય કેન્દ્રીય એજન્સીઓ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. ઝડપાયેલા આ શખ્સોને આજે બપોરે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
ખંભાળિયા પંથકમાંથી અગાઉ તત્કાલીન જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીએ રૂા. 315 કરોડનું ડ્રગ્સ પકડી પાડ્યું હતુ. જેની તપાસમાં મહત્વની ભૂમિકા ભજવનાર અહીંના એસ.ઓ.જી. વિભાગના ભૂતપૂર્વ પી.આઈ. જે.એમ. પટેલને આ ડ્રગ્સ અંગે બાતમી મળી હતી તથા તેમની બાતમી પરથી એસ.પી. દીપન ભદ્રન તથા સુનિલ જોશી અને તેમના સ્ટાફના ઓમ પ્રકાશ ભટ્ટ, કે.કે. પટેલ, કોસ્ટગાર્ડના અનિલકુમાર હરભોલા તથા પંકજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર આયોજન કરીને એકાદ સપ્તાહની જહેમત બાદ આ સમગ્ર ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.
પાકિસ્તાનના હાજી સલીમ બ્લોચ દ્વારા રૂા. 200 કરોડ જેટલી કિંમતનો આ ડ્રગ્સનો જથ્થો હોવાનું તથા જે બોટમાં લઈને હથિયારો સાથે ગુજરાતના નક્કી કરેલા સમુદ્રકાંઠે ઉતારીને અહીંથી ભારતમાં સપ્લાય કરવા માટેનું આયોજન હોવાનું પણ ખુલવા પામ્યું છે. રસ્તામાં નાની-મોટી અથડામણ થાય તો સામનો કરવા માટે ગેસના બાટલા તોડીને અંદરથી ઇટાલિયન બનાવટની છ પિસ્તોલ, 12 મેગેઝીન તથા 120 કારતૂસો પણ હતા. જે એજન્સીઓ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે.
રૂા. 280 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલા તમામ 10 ખલાસીઓ પાકિસ્તાનના બલુચિસ્તાનના વિસ્તારના હતા. જેમાં ઈસ્માઈલ સફરાલ, અમાલ બલોચ, હકીમ દિલ મોહમ્મદ, આદમ અલી, વિગેરેનો સમાવેશ થાય છે. વિશેષ તપાસ એટીએસના અધિક્ષક ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ પી.આઈ. કોરાટ, પટેલ તથા પી.એસ.આઈ. ગુર્જર અને ચૌધરીની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે.
ડ્રગ્સ તથા હથિયારોનો આ તોતિંગ જથ્થો ઝડપતા હાલારના બંને પુર્વ પોલીસ વડા જામનગરના પૂર્વ એસ.પી. દીપન ભદ્રન તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પૂર્વ એસ.પી. સુનિલ જોશીની મહત્વની કામગીરી રહી છે. જે પ્રશંસાને પાત્ર બની હતી. રાજ્યના પોલીસ વડા તથા ગૃહમંત્રી દ્વારા આ કામગીરીની પ્રશંસા પણ કરવામાં આવી હતી.