દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના જુલાઈ સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામ ગઇકાલે જાહેર થયા હતા. કંપનીની કુલ આવક ગત વર્ષની સરખામણીએ 49.2 ટકા વધી રૂ.1,91,532 કરોડ નોંધાઈ છે જયારે નફો 46 ટકા વધી રૂ.15,479 કરોડ રહ્યો છે. કંપનીનો ઓપરેટીંગ નફો (ઘસારા, વ્યાજ ખર્ચ અને અન્ય ખર્ચ સિવાય) ગત વર્ષની સરખામણીએ સપ્ટેમ્બરમાં પુરા થતા ક્વાર્ટરમાં 30 ટકા વધી રૂ.30,283 કરોડ જોવા મળ્યો હતો. કંપનીનો નફો અને ઓપરેટીંગ નફો વિક્રમી સપાટીએ નોંધાયો છે.
આ ત્રણ મહિનામાં ડીજીટલ સેવાઓ એટલે કે જીઓની આવક રૂ.23,222 કરોડ જોવા મળી છે. આ ત્રણ મહિનાના ગાળામાં રિલાયન્સની કુલ નિકાસ 59 ટકા વધી રૂ.54,844 કરોડ રહી હતી જેમાં સૌથી મોટો હિસ્સો ઓઈલ અને રીફાઈનીંગ બિઝનેસનો છે. કંપનીએ દેવું પરત કરતા વ્યાજનો ખર્ચ 37.2 ટકા ઘટી રૂ.3,819 કરોડ રૂપિયા રહ્યો છે. કંપનીનું કુલ દેવું સપ્ટેમ્બરના અંતે રૂ.2,55,891 કરોડ રહ્યું હતું જેની સામે કંપનીના હાથ ઉપર રોકડ રૂ.2,59,476 કરોડ છે એટલે દેવા કરતા હાથ ઉપર રોકડ વધારે છે.
પરિણામો ઉપર ટિપ્પણી કરતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજીંગ ડાઇરેક્ટર મૂકેશ ડી. અંબાણીએ જણાવ્યું કે, “દિવાળી પહેલાં તમામ લોકોને મારી શુભેચ્છા. પ્રકાશના પર્વને એવી આશા અને આત્મ વિશ્વાસ સાથે ઉજવીએ કે ટૂંક જ સમયમાં કોવિડ રોગચાળો આપણી પાછળ છૂટી જશે અને ભારત અને વિશ્વમાં આપણે સૌ ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધીશું.
જ્યારે રોગચાળો પીછેહટ કરી રહ્યો છે ત્યારે, મને પ્રસન્નતા છે કે રિલાયન્સે નાણાંકીય વર્ષ 2022ના બીજા ત્રિમાસિક ગાળામાં મજબૂત પ્રદર્શન કર્યું છે. આ અમારા વ્યવસાયની આંતરિક મજબૂતી અને ભારતીય અને વૈશ્વિક અર્થતંત્રની મજબૂત રીકવરી દર્શાવે છે. અમારા તમામ વ્યવસાયો પ્રિ-કોવિડસ્તરની વૃદ્ધિ પ્રતિબિંબિત કરે છે. અમારું પરિચાલન અને નાણાંકીય પ્રદર્શન રીટેલ સેગમેન્ટમાં શાર્પ રીકવરી અને ઓઇલ-ટુ-કેમિકલ અને ડિજીટલ સર્વિસીસ વ્યવસાયોમાં સાતત્યપૂર્ણ વૃધ્ધિ પ્રતિબિંબિત કરે છે.
અમારા ઓઇલ ટુ કેમિકલ વ્યવસાયને સમગ્ર ઉત્પાદન શ્રેણીમાં માગમાં તીવ્ર વધારા અને પરિવહન ઇંધણમાં ઊંચા માર્જિનથી ફાયદો થયો છે. રિલાયન્સ રીટેલ ફિઝીકલ સ્ટોર્સ અને ડિજીટલ ઓફરીંગ એમ બંન્નેમાં ઝડપી વિસ્તરણને પગલે વૃધ્ધિ પામતું રહ્યું છે, જેના કારણે આવકમાં વૃધ્ધિ થઇ છે અને માર્જિન પણ વિસ્તર્યા છે. અમારા ડિજીટલ સર્વિસ વ્યવસાય જિઓ એ ભારતમાં બ્રોડબેન્ડ માર્કેટમાં પરિવર્તન લાવવાનું અને ઉદ્યોગજગત માટે નવા સિમાચિહ્નો સ્થાપવાનું ચાલુ રાખ્યું છે.
અમે અમારા નવા વ્યવસાયો ન્યૂ એનર્જી અને ન્યૂ મટીરીયલ્સને વેગ આપવાની પ્રવૃત્તિ મક્કમ ગતિએ ચાલુ રાખી છે. અમારો ભાગીદારી માટેનો અભિગમ અને ક્લીન અને ગ્રીન ટ્રાન્ઝીશનના વૈશ્વિક ટ્રાન્ઝીશનમાં ભારતને આગળ લાવવાનો અમારો નિર્ધાર સોલાર અને ગ્રીન એનર્જી ક્ષેત્રમાં વિશ્વની કેટલીક ટોચની કંપનીઓમાં અમારા તાજેતરના રોકાણોમાં જોવા મળે છે. આપણા ગ્રહના સાતત્યપૂર્ણ ભવિષ્ય અને ભારત તથા વિશ્વના લોકો માટે વધારે સમાન વિકાસને સુનિશ્ચિત કરે તેવા ગ્રીન એનર્જી સોલ્યુશન્સના સહ-સર્જનની આ રોમાંચક યાત્રામાં અમારા નવા ભાગીદારોને અમે આવકારીએ છીએ. હવે હું 2035 સુધીમાં નેટ કાર્બન ઝીરોનું મહત્વાકાંક્ષી લક્ષ હાંસલ કરવા અંગે વધારે આત્મવિશ્વાસ ધરાવું છું.
હું ખાસ કરીને ખુશ છું કે અમારા તમામ કર્મચારીઓનું મિશન વેક્સિન સુરક્ષા હેઠળ સંપૂર્ણપણે રસીકરણ થયું છે. ભાગીદારી તથા અમારા સીધા અમલીકરણ એમ બંન્ને રીતે અમે મિશન વેક્સિ સુરક્ષાનો દેશના તમામ સમુદાયમાં વિસ્તાર કરી રહ્યા છીએ.
રિલાયન્સના બીજા કવાર્ટરના નફામાં 46 ટકાનો જમ્પ
કંપનીની કુલ આવક પણ 49 ટકા વધીને 1.91 લાખ કરોડ નોંધાઇ : જીઓ, રિટેલની કામગીરી કોરોના કાળ પહેલાના સ્તરે : જીઓની આવક રૂ.23,222 કરોડ