Saturday, November 23, 2024
Homeરાજ્યદેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાત ઈંચ સુધીનો સચરાચર વરસાદ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાત ઈંચ સુધીનો સચરાચર વરસાદ

ઉભા મોલને મળ્યું જીવતદાન: ધરતીપુત્રોમાં હરખની હેલી

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લાંબા સમયના વિરામબાદ મંગળવારથી શરૂ થયેલી મેઘસવારી સતત બે દિવસ નોંધપાત્ર રીતે વરસી હતી. છેલ્લા બે દિવસ દરમિયાન જિલ્લામાં સાત ઈંચ સુધીના વરસાદથી ખાસ કરીને ધરતીપુત્રોમાં રાહત સાથે આનંદની લાગણી જોવા મળી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આશરે દોઢેક માસ પહેલા વરસી ગયેલા નોંધપાત્ર વરસાદ મોટાભાગના ખેડૂતો વાવણી કરી ચૂક્યા હતા. પરંતુ ત્યારબાદ વરસાદ ખેંચાઈ જતા અષાઢ બાદ મોટાભાગનો શ્રાવણ મહિનો કોરો ધાકોડ જતા લોકોના મનમાં ચિંતાનાં વાદળો ઘેરાઇ ગયા હતા. મંગળવારે વહેલી સવારથી જિલ્લામાં શરૂ થયેલા વરસાદી રાઉન્ડ બાદ ગઈકાલે બુધવારે મેઘરાજાએ અસ્સલ કલર દેખાડ્યો હતો અને વહેલી સવારથી એક દિવસ દરમિયાન જિલ્લામાં દોઢ ઈંચથી સવા છ ઇંચ સુધી વરસાદ વરસી ગયો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કૃષ્ણજન્મ બાદ મંગળવારે ચઢતા પહોરે ચારેક વાગ્યાથી મુશળધાર વરસાદના ઝાપટાં વરસ્યા હતા. અને મંગળવારે ખંભાળિયા તાલુકામાં સાત, ભાણવડ તાલુકામાં આઠ, કલ્યાણપુર તાલુકામાં પાંચ અને દ્વારકા પંથકમાં ત્રણ મીમી વરસાદ વરસ્યો હતો. આ પછી ગઈકાલે બુધવારે મેઘરાજાએ ફુલ ફોર્મમાં બેટિંગ કરી હતી અને ખંભાળિયા તાલુકામાં આખો દિવસ વરસાદના ભારે ઝાપટા અવિરત રીતે વરસતા ફુલ 158 મિલીમીટર પાણી વરસી ગયું હતું. બે દિવસના સમયગાળા દરમિયાન ખંભાળિયા તાલુકામાં સાડા છ ઈંચ (165 મિલીમીટર) વરસાદ વરસી ચૂક્યો છે.

ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સાર્વત્રિક પાંચ થી છ ઈંચ સુધીનો વરસાદ વરસી જતા વાવણી થઈ ચૂકેલા ખેતરોમાં ઉભા મોલને જીવતદાન મળ્યું છે. આટલું જ નહીં નાના જળસ્ત્રોતોમાં નવા નીરની આવક પણ થવા પામી છે. ખંભાળિયા શહેરને પાણી પૂરું પાડતા ઘી ડેમમાં હજુ સુધી નવા નીરની આવક થઈ નથી. જો વધુ મુશળધાર વરસાદ વધશે તો જિલ્લાના જળસ્રોતોમાં નવા પાણીની આવક થાય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે.

ગઇકાલે બુધવારે કલ્યાણપુર તાલુકામાં 175 મિલીમીટર, ભાણવડ તાલુકામાં 70 મિલીમીટર અને દ્વારકા તાલુકામાં 44 મીલીમીટર વરસાદ નોંધાયો છે.

ગત મોડી સાંજ સુધી અવિરત રીતે વરસાદ વરસી ગયા બાદ મેઘરાજાએ પોરો ખાધો હતો. જો કે આજે સવારે 6 થી 8 દરમ્યાન હળવા ઝાપટા રૂપે કલ્યાણપુર તાલુકામાં 7 મીમી જ્યારે દ્વારકા તાલુકામાં 2 મિમી વરસાદ નોંધાયો છે.

આમ, વરસાદના આ બીજા મનાતા રાઉન્ડમાં આજે સવારે આઠ વાગ્યા સુધીમાં ખંભાળિયા તાલુકામાં 165, કલ્યાણપુર તાલુકામાં 175, ભાણવડ તાલુકામાં 78 અને દ્વારકા તાલુકામાં 49 મીમી વરસાદ નોંધાયો છે. આ સાથે મોસમનો કુલ વરસાદ ખંભાળિયા તાલુકામાં 516 મિલીમીટર, કલ્યાણપુર તાલુકામાં 554 મિલીમીટર, ભાણવડ તાલુકામાં 326 મિલીમીટર અને દ્વારકા તાલુકામાં 206 મિલીમીટર નોંધાયો છે. આ સહીત જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 57 ટકા સુઘી વરસ્યો છે.

જિલ્લામાં સાર્વત્રિક મુશળધાર વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અને આજે સવારથી મેઘાવી માહોલ વચ્ચે વધુ વરસાદ વરસવાની શક્યતાઓ પણ જોવા મળી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular