જામનગરમાં દશેરા નિમિતે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આજે રાત્રે યોજાનાર રાવણ દહનના કાર્યક્રમને લઇ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા શહેરના સાત રસ્તા સર્કલથી જિલ્લા પંચાયત સર્કલનો રસ્તો બંધ કરવા જાહેરનામુ બહાર પાડયું છે. જે આજે બપોરે 3 વાગ્યાથી રાત્રીના 12 વાગ્યા સુધી અમલમાં રહેશે.
જામનગર શહેરમાં દશેરાના તહેવાર નિમિતે આજે રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરાયું છે. પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આયોજીત રાવણ દહનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લેનાર છે. મોટી સંખ્યામાં આવતા લોકોના કારણે ટ્રાફીકની સમસ્યા ઉદભવીત થવાની સંભાવના રહે છે. આથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ભાવેશ એન. ખેર દ્વારા આજરોજ તા.2ના રોજ બપોરે 3 વાગ્યાથી રાત્રીના 12 વાગ્યા સુધી જામનગર શહેરના સાત રસ્તા સર્કલથી જિલ્લા પંચાયત સર્કલ સુધીનો રસ્તો બંધ રાખવા જાહેરનામુ બહાર પાડયું છે.
જાહેરનામામાં જણાવ્યા અનુસાર સાત રસ્તા સર્કલથી જિલ્લા પંચાયત સર્કલ ઓફિસ સુધી મીગ કોલોનીથી નવા એસ.ટી. બસ સ્ટેન્ડ તેમજ જૂના આર.ટી.ઓ. કચેરીની પાછળનો નવો માર્ગ (એસ.ટી. બસ સિવાયના તમામ પ્રકારના વાહનો માટે) બંધ રહેશે જેની વેકલ્પીક વ્યવસ્થા માટે એસટી બસો માટે વૈકલ્પિક વ્યવસ્થા ઇન/આઉટ રૂટ દ્વારકા ખંભાળિયા તરફથી આવતી બસો સાત રસ્તાથી જૂના બસ સ્ટેન્ડ ચેતક ટ્રાવેલ્સ મીગ કોલોનીથી નવા એસટી બસ સ્ટેન્ડ તરફ જઇ શકશે. રાજકોટ તરફથી આવતી એસટી બસો સુભાષ બ્રીજથી ત્રણ દરવાજાથી બેડી ગેઇટથી ટાઉનહોલથી ભીડ ભંજન મંદિરના કટથી સ્પોર્ટસ સંકુલથી જુની આરટીઓ ઓફીસના પાછળના ભાગના રસ્તેથી એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે જઇ શકશે. અન્ય વાહનો માટે વૈકલ્પિક રૂટ સાત રસ્તાથી જૂના એસટી ડેપો રોડથી જય માતાજી હોટલ થઇ તળાવની પાળ આશાપુરા હોટલથી ટાઉન હોલ તરફ જઇ શકશે. સાત રસ્તાથી ગુરૂદ્વારા છત્રી, અંબર છત્રી, ત્રણ બતી, બેડી ગેઇટ, ટાઉનહોલ તરફ જઇ શકાશે.
આ જાહેરનામુ સરકારી વાહનો એમ્બ્યુલન્સ તથા ફાયર વિભાગના વાહનોને લાગુ પડશે નહીં જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે.


