ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના સમાજ સુરક્ષા ખાતા દ્વારા દિવ્યાંગ લગ્ન સહાય યોજના કાર્યરત છે. આ યોજનામાં જો એક વ્યક્તિ દિવ્યાંગ હોય અને હાલ લગ્ન કરેલ હોય તે દિવ્યાંગ વ્યક્તિને (એક વખત) રૂ.પ0 હજારની સહાય આપવામાં આવે છે. જો બંને વ્યક્તિ દિવ્યાંગ હોય તો રૂ. 1 લાખની સહાય મળવાપાત્ર છે. લાભ લેનાર વ્યક્તિ જામનગર જિલ્લાનો રહેવાસી હોવો આવશ્યક છે. આ યોજનાના લાભ માટે ઓછામાં ઓછા 40% દિવ્યાંગતા ધરાવતા હોવા જોઇએ. આ યોજનાનો વહેલામાં વહેલી તકે લાભ લેવા માટે અથવા વધુ માહિતી માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, સેવા સદન-4, રૂમ નં.-33, રાજપાર્ક પાસે, જામનગર ફોન નં. 0288-2570306 પર સંપર્ક કરવા જણાવવામાં આવે છે. આ યોજનાનો લાભ ફક્ત લગ્ન કર્યાના બે(2) વર્ષની અંદર જ અરજદારને મળવાપાત્ર છે.
આ માટે અરજી ફોર્મ ભરી સાથે બંને વ્યક્તિના આધારકાર્ડ, બન્ને વ્યક્તિના રેશનકાર્ડની નકલ, બંને વ્યક્તિના જન્મનો દાખલો/શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, બંને વ્યક્તિની લગ્ન કંકોત્રી, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, બન્ને વ્યક્તિના (સરકારી) બેન્ક ખાતાની નકલ, બંનેના લગ્નનો સંયુક્ત ફોટો, જો બંને દિવ્યાંગ હોય તો બંને વ્યક્તિના દિવ્યાંગતાનું પ્રમાણપત્ર જેવા જરૂરી દસ્તાવેજો જોડવાના રહેશે તેમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે.