દેશમાં કોરોના સંક્રમણ મામલે નિયંત્રણની સ્થિતિ જોવા મળી રહી છે. સોમવારે ભારતમાં એક દિવસમાં કુલ 32,937 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 417 લોકોનાં મોત થયા છે. આ આંકડાની સાથે કોરોનાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા હવે 4,31,642 થઇ ગઇ છે. દેશમાં એક્ટિવ કેસોની ટકાવારી હવે 1.18 ટકા રહી છે, જે માર્ચ 2020 બાદ સૌથી નીચલા સ્તરે છે. આ સાથે જ એક્ટિવ કેસોની સંખ્યા પણ 145 દિવસમાં સૌથી ઓછી થઇ ગઇ છે. હાલ દેશમાં કોરોનાના સક્રિય કેસ 3,81,947 છે.
રિકવરી રેટમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. માર્ચ 2020 બાદ પ્રથમ વખત કોરોના રિકવરી રેટ 97.48 ટકા થઇ ગયો છે. અત્યાર સુધી દેશમાં 3,14,11,92 લોકો કોરોનામાંથી રિકવર થઇ ગયા છે. ગઇકાલે એક દિવસમાં લગભગ 36 હજાર લોકો સંક્રમણને માત આપવામાં સફળ રહ્યાં હતાં. વીકલી પોઝિટિવિટી હવે 2.01 ટકા પર આવી ગઇ છે અને આવનારા દિવસોમાં આનાથી પણ ઓછી થવાની સંભાવના છે. ડેલી પોઝિટિવિટી રેટની વાત કરીએ તો તે પણ 2.79 ટકા છે. અત્યાર સુધી દેશમાં 54 કરોડથી વધુ લોકોને કોરોનાની રસી અપાઇ ચૂકી છે. એક બાજી નવા કેસોની સંખ્યામાં ઘટાડો અને બીજી બાજી વેક્સિનેશનની વધતી ગતિએ સંક્રમણથી દેશને મોટી રાહત આપવાનું કામ કર્યું છે. કોરોના સંક્રમણના નવા કેસોની ગતિ ભારતમાં પાછલા લગભગ બે મહિનાથી સતત નિયંત્રિત છે.