રશિયા-યુક્રેન યુદ્ધને પગલે ગઈકાલે સમગ્ર વિશ્ર્વ સાથે ભારતીય શેરબજારમાં પણ જોરદાર કડાકો બોલી ગયો હતો. સેન્સેકસ અને નિફટી લગભગ પાંચ ટકા સુધી ગગડી ગયા હતાં. દરમિયાન અમેરિકા અને નાટોએ યુદ્ધ કરવાની ના પાડતા વિશ્ર્વ યુધ્ધની આશંકાઓ ઓસરી ગઈ છે. પરિણામે વૈશ્ર્વિક બજારોમાં રીકવરી સાથે આજે સવારે ભારતીય બજારોમાં પણ જોરદાર રીકવરી જોવા મળી હતી. ગઈકાલે 800 પોઇન્ટ ગગડી ગયેલો નિફટી આજે 500 પોઇન્ટ સુધરી ગયો હતો. જ્યારે 2700 પોઇન્ટ ગગડી ગયેલો સેન્સેકસ આજે 1500 થી વધુ પોઇન્ટ સુધરી ગયો હતો. આજે ડોલરની સરખામણીએ રૂપિયો મજબૂતી સાથે ખુલ્યો હતો. ડોલરની સરખામણીએ રૂપિયો 32 પૈસાની મજબૂતી સાથે 75.28 રૂપિયાના સ્તરે ખુલ્યો હતો. ગુરૂવારે ડોલરની સરખામણીએ રૂપિયો 1.10 રૂપિયા નબળો પડ્યો હતો અને 75.65 રૂપિયાના સ્તરે બંધ રહ્યો હતો. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઘરેલુ શેર માર્કેટે શુક્રવારે શરૂઆતી કારોબારમાં રિકવરી કરી લીધી. રશિયા ઉપર નવા પ્રતિબંધ લગાયા બાદ ગુરૂવારે અમેરિકી બજાર મજબૂતીમાં રહ્યા હતા. ઘરેલુ બજારને પણ ગ્લોબલ માર્કેટ ટ્રેન્ડનો સપોર્ટ મળી રહ્યો છે. જોકે ઈન્વેસ્ટર્સ પર હજુ પણ યુદ્ધનું પ્રેશર બનેલું છે. પ્રી-ઓપન સેશનથી જ માર્કેટ ગ્રીન હતું. પ્રી-ઓપન સેશનમાં સેન્સેક્સ આશરે 800 અંક જેટલો ચડેલો હતો. સિંગાપુર એક્સચેન્જ પર એનએસઈનું ફ્યુચર આશરે 1.50 ટકા અપ હતું. માર્કેટ ખુલ્યું તે સાથે જ બીએસઈ સેન્સેક્સ 811 અંકથી વધારે વધીને 55,350 અંક પાસે પહોંચ્યો હતો. એનએસઈ પણ આ જ દિશામાં આશરે 1.74 ટકાના વધારા સાથે 16,500 અંકને પાર કરી ગયું. થોડા સમયમાં જ બજારે વધુ રિકવરી કરી હતી. સવારે 09:40 કલાકે સેન્સેક્સ આશરે 1150 અંકથી વધારેની તેજી સાથે 55,700 અંક નજીક પહોંચ્યો હતો. નિફ્ટી પણ 2.30 ટકાથી વધુ વધીને 16,600 અંકને પાર નીકળી ગઈ હતી. આજે ઘરેલુ માર્કેટને ગ્લોબલ ટ્રેન્ડનો સપોર્ટ મળી રહ્યો છે. તે સિવાય લો લેવલ પર થઈ રહેલી ખરીદીના કારણે પણ બજારને મદદ મળી રહી છે.
વિશ્વયુદ્ધની આશંકાઓ ઓસરતા ભારતીય શેરબજારમાં રિકવરી
સેન્સેકસમાં 1500 અને નિફટીમાં 500 પોઇન્ટનો ઉછાળો : ડોલરની સામે રૂપિયો પણ 32 પૈસા મજબુત બન્યો : બજારમાં ગઈકાલે પાંચ ટકાનો થયો હતો કડાકો