ભારતીય રિઝર્વ બેંકે ફરી એકવાર રેપો રેટ સ્થિર રાખવાનો નિર્ણય લીધો છે. આજે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે નાણાકીય સમીક્ષા બેઠકના પરિણામોની જાહેરાત કરી હતી. કેન્દ્રીય બેંકે ફરી એકવાર રેપો રેટ યથાવત રાખ્યો છે અને તેમાં કોઈ ફેરફાર કર્યો નથી. આરબીઆઇના નિર્ણય બાદ ફરી એકવાર વ્યાજ દર 6.5 ટકા પર યથાવત છે. લોકોને આશા હતી કે આ વખતે રિઝર્વ બેંક રેપો રેટમાં ઘટાડો કરીને સસ્તી લોનની ભેટ આપશે, પરંતુ એવું થયું નહીં. સસ્તી લોન માટે તમારે વધુ રાહ જોવી પડશે.
MPCના 6માંથી 5 સભ્યો વ્યાજદરમાં ફેરફાર ન કરવાના નિર્ણયની તરફેણમાં હતા. રેપો રેટની સાથે, ફિક્સ ડિપોઝિટ ફેસિલિટી અને માર્જિનલ ફિક્સ્ડ ફેસિલિટી રેટ પણ સ્થિર રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત સ્ટેન્ડિંગ ડિપોઝિટની સુવિધા 6.25 ટકા જ્યારે માર્જિનલ સ્ટેન્ડિંગ સુવિધા 6.75 ટકા પર જાળવી રાખવામાં આવી છે. શક્તિકાંત દાસે કહ્યું કે નવેમ્બરમાં PMI વધ્યો છે, જ્યારે GST કલેક્શનમાં પણ વૃદ્ધિ જોવા મળી છે.
MPCની પ્રાથમિક જવાબદારી વ્યાજદરો નક્કી કરવાની છે. વૃદ્ધિના ઉદ્દેશ્યો પૂરા થાય અને ફુગાવો પણ નિયંત્રણમાં રહે તેના આધારે વ્યાજદર નક્કી કરવામાં આવે છે.આરબીઆઇનો ફુગાવાનો લક્ષ્યાંક તેને 2-6%ની વચ્ચે રાખવાનો છે.
આરબીઆઇ પાસે રેપોરેટના રૂપમાં ફુગાવા સામે લડવા માટે એક શક્તિશાળી ટૂલ છે. જ્યારે ફુગાવો ઘણો વધુ હોય છે, ત્યારે આરબીઆઇ રેપોરેટ વધારીને અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ ઘટાડવાનો પ્રયાસ કરે છે. જો રેપોરેટ ઊંચો રહેશે તો બેંકોને આરબીઆઇ પાસેથી જે લોન મળશે તે મોંઘી થશે. બદલામાં, બેંકો તેમના ગ્રાહકો માટે લોન મોંઘી બનાવે છે. આ અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ ઘટાડે છે. જો નાણાંનો પ્રવાહ ઘટે તો માંગ ઘટે અને ફુગાવો ઘટે.
આરબીઆઇ ગવર્નર ફુગાવાના અંદાજો અને GDP અંદાજો પણ જાહેર કર્યો. FY24 માટે ફુગાવાનો અંદાજ 5.4% પર જાળવી રાખવામાં આવ્યો છે. છેલ્લી મિટિંગમાં તે 5.1%થી વધારીને 5.4% કરવામાં આવ્યો હતો. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે સપ્ટેમ્બરમાં ફુગાવો ઘટવાની આશા છે.
FY24 માટે રિયલ GDP વૃદ્ધિનો અંદાજ 6.5% પર જાળવી રાખવામાં આવ્યો છે. તેમજ, નાણાકીય વર્ષ 25ના પ્રથમ ક્વાર્ટર માટે રિયલ GDP અંદાજ પણ 6.6% પર જાળવવામાં આવ્યો છે. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે જિયોપોલિટિકલ કટોકટીના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મંદી છે.