આઇપીએલની રિટેન્શન પ્રક્રિયામાં જામનગરના રવીન્દ્ર જાડેજાની ચાંદી થઇ ગઇ છે. ચેન્નાઇ સુપરકિંગ્સે બાપુને ધોની કરતાં પણ એટલે કે, ટીમના કેપ્ટન કરતાં પણ વધુ રકમ આપીને રિટેન કર્યા છે. ફેન્ચાઇઝી ધોનીને રૂા. 12 કરોડ જયારે જાડેજાને રૂા. 16 કરોડ પગાર ચૂકવશે.
આઇપીએલ 2022માં 10 ટીમ આવતાં રિટેન્શન પ્રક્રિયામાં પણ ધરખમ ફેરફાર થયા હતા. ઉલ્લેખનિય છે કે આ દરમિયાન રિટેન કરવાના નિયમો બદલાતાં ઘણી ટીમે અનુભવી ખેલાડીને પણ રિટેન કર્યા નથી તો વળી કેટલીક ફ્રેન્ચાઈઝીએ સેલરી ઘટાડી ટીમના ખાસ પ્લેયરને પોતાની સાથે રાખ્યા છે. એવામાં જો વિરાટ કોહલીની વાત કરીએ તો ગત વર્ષે તેને 17 કરોડની રકમ મળી હતી, જેને આ સીઝનમાં બેંગલોરે 15 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. ચલો, આપણે રિટેન્શન પછી કઈ ટીમના પર્સમાં કેટલા રૂપિયા રહ્યા અને કોણે કેટલી રકમમાં રિટેન કરાયા એના પર નજર નાખીએ. મુંબઈ ઈન્ડિયન્સે 16 કરોડ રૂપિયામાં કેપ્ટન રોહિત શર્મા, 12 કરોડ રૂપિયામાં જસપ્રીત બુમરાહ, 8 કરોડ રૂપિયામાં સૂર્યકુમાર યાદવ અને 6 કરોડ રૂપિયામાં કિરોન પોલાર્ડને રિટેન કર્યા છે. ઉલ્લેખનિય છે કે હવે રોહિત શર્મા ઈન્ડિયન ટીમના ઝ20 કેપ્ટન હોવાથી એમઆઇએ તેને ગત વર્ષ કરતાં 1 કરોડ રૂપિયાની રકમ વધારે આપી ટીમમાં રિટેન કર્યો છે. ગત સીઝનમાં રોહિત શર્માને 15 કરોડ રૂપિયા મળ્યા હતા. એબી ડી વિલિયર્સની નિવૃત્તિ પછી વિરાટ કોહલી અને ગ્લેન મેક્સવેલને જાળવી રાખવામાં આવશે એવું માનવામાં આવતું હતું અને એવું જ થયું. આ સિવાય આસીબી એ મોહમ્મદ સિરાજને રિટેન કર્યો છે. તેને એક સ્માર્ટ મૂવ પણ કહી શકાય, કારણ કે સિરાજે આ ટીમ માટે ગત સીઝનમાં સારી બોલિંગ કરી હતી અને તેણે ધીમે-ધીમે આ ફોર્મેટને સ્વીકારવાનું શરૂ કર્યું છે.
કોહલીને ગત સીઝન સુધી 17 કરોડ રૂપિયા મળતા હતા. હવે આ સીઝનમાં તેને 15 કરોડ રૂપિયા જ મળશે, એટલે કે તેના પગારમાંથી બે કરોડ રૂપિયા કાપવામાં આવ્યા છે. પંજાબ કિંગ્સના રિટેન્શનમાં આ વખતે મોટો ટ્વિસ્ટ જોવા મળ્યો છે. કેએલ રાહુલે પોતાને રિટેન કરવાની ના પાડી દેતાં હવે તે મેગા ઓક્શનમાં જોવા મળશે. પંજાબ ફ્રેન્ચાઇઝીએ મયંક અગ્રવાલને 14 કરોડ રૂપિયાની ફી સાથે પ્રથમ સ્થાન પર જાળવી રાખ્યો છે. એવામાં હવે પંજાબના ભવિષ્યને જોતાં ટીમ માટે આ એક મોટો નિર્ણય હોઈ શકે છે. મયંક મોટી અને વિસ્ફોટક ઇનિંગ્સ રમવા માટે સક્ષમ છે. ફ્રેન્ચાઇઝીએ અનકેપ્ડ ફાસ્ટ બોલર અર્શદીપને પણ 4 કરોડ રૂપિયામાં જાળવી રાખ્યો છે. એસઆરએચએ કેન વિલિયમ્સન (14 કરોડ), અબ્દુલ સમદ (4 કરોડ) અને ઉમરાન મલિક (4 કરોડ)ને રિટેન કર્યા છે. સનરાઈઝર્સ હૈદરાબાદને આ રિટેન્શનમાં મોટો ફટકો પડ્યા છે. તેની ટીમના 2 મેચ વિનર ખેલાડી ટીમ સાથે છેડો ફાડી દીધો હોય એવું અનુમાન લગાવાઈ રહ્યું છે. ઉલ્લેખનિય છે કે ડેવિડ વોર્નરે તો પહેલા જ મન બનાવી લીધું હતું કે તે આ ટીમ સાથે આગળ સફર ચાલુ નહીં રાખે તેવામાં રાશિદ ખાનને રિટેન ના કરાતાં એસઆરએચને ફટકો પડ્યો છે. આ દરમિયાન અનુમાન લગાવાઈ રહ્યું છે કે મીડિયાના અહેવાલો પ્રમાણે રાશિદે 14-16 કરોડ રૂપિયાની માગણી કરી હોવાથી તેને રિટેન કરાયો નથી. વળી તે લખનઉ સાથે જોડાઈ શકે છે એવી ચર્ચાએ પણ જોર પકડ્યું હતું. ચેન્નઈ સુપરકિંગ્સે આ ટર્મમાં ધોનીને 12 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. એવામાં ગત વર્ષની સેલરી કરતાં આ સીઝનમાં ધોનીના પગારમાંથી 3 કરોડ રૂપિયા કપાયા છે. આની સાથે અનુમાન લગાવાઈ રહ્યું છે કે ધોનીની આ છેલ્લી આઇપીએલસીઝન પણ હોઈ શકે છે. આ ટર્મના રિટેન્શનમાં સીએસકેએ રવીન્દ્ર જાડેજા (16 કરોડ), ધોની (12 કરોડ), મોઈન અલી (8 કરોડ) અને ઋતુરાજ ગાયકવાડને (6 કરોડ) રિટેન કર્યા છે.