જામનગર સિંધી સમાજ દ્વારા વર્ષોથી રાવણ દહનનું આયોજન કરવામાં આવે છે. શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આયોજીત રાવણ દહનના કાર્યક્રમને લઇ ગઇકાલે સાંજે રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના પુતળા મુકી દેવામાં આવ્યા હતાં.
છેલ્લા સાત દાયકાથી જામનગરના સિંધી સમાજ દ્વારા રાવણ દહન કરી વિજયા દશમી પર્વની ઉજવણી કરવામાં આવે છે. જેમાં રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પુતળાનું દહન કરવામાં આવે છે. રાવણના પુતળાની ઉંચાઇ 35 ફુટ અને મેઘનાથ તથા કુંભકર્ણના પુતળાની ઉંચાઇ 30 ફુટની રાખવામાં આવે છે. લાકડુ, દોરી, કાપડ અને કાગળનો ઉપયોગ કરી પુતળુ બનાવવામાં આવે છે. આ વખતે વરસાદી માહોલ ચાલી રહ્યો હોય રાવણ દહનના પુતળાઓને વરસાદી પાણી બચાવવા વોટરપ્રુફીંગ પેસ્ટીંગ કરી રાવણ દહન માટેના પુતળાઓ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ઉભા કરવામાં આવ્યા છે.
રાવણ દહન પૂર્વે સાંજે 5 વાગ્યે નાનકપુરીથી રામલીલાની શોભાયાત્રાનો પ્રારંભ થશે જેમાં 20 જેટલા ટ્રેકટર હોય છે આ શોભાયાત્રામાં રામલીલાના દરેક પાત્રની વેશભુષા જોવા મળે છે. આ શોભાયાત્રા પવનચકકી, ખંભાળિયા ગઇટ, હવાઇ ચોક, સેન્ટ્રલ બેંક, બર્ધન ચોક, દરબાર ગઢ, બેડી ગેઇટ થઇ મેદાને પહોંચે છે. આ શોભાયાત્રા નિહાળવા મોટી સંખ્યામાં જનમેદની ઉમટશે.


