હિન્દુ ધર્મમાં અલૌકિક મહત્વ ધરાવતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા ખંભાળિયામાં યોજવામાં આવી હતી આ સાથે શહેરમાં અનેકવિધ ધર્મો પણ યોજવામાં આવ્યા હતા. ખંભાળિયામાં ઇસ્કોન મંદિર – રાજકોટ તથા હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર – ખંભાળિયાના ઉપક્રમે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન મંગળવારે સાંજે કરવામાં આવ્યું હતું.
ખંભાળિયામાં યોજવામાં આવેલી આ છઠ્ઠી રથયાત્રા મહાપ્રભુને બેઠક પાસેના શ્રીજી સાનિધ્ય ખાતેથી પ્રારંભ થઈ હતી. જે બેઠક રોડ, શારદા સીનેમા રોડ, જોધપુર ગેઈટ, પોસ્ટ ઓફિસ રોડ, નગર ગેઈટ, સ્ટેશન રોડ, થઈને નવી લોહાણા મહાજન વાડી ખાતે પૂર્ણ થઈ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
આ રથયાત્રામાં મોટી સંખ્યામાં કૃષ્ણ ભક્તો તથા ધર્મપ્રેમી જનતા જોડાયા હતા. જેમાં મુખ્ય અતિથિ તરીકે ઇસ્કોન મંદિર – સિંગાપોરના દેવકીનંદન પ્રભુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે ગઈકાલે આખો દિવસ નવી લોહાણા મહાજન વાડી ખાતે અન્નકૂટના દર્શન તથા પૂજન-અર્ચનનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા પણ ઉપસ્થિત રહ્યા હતા અને દર્શનનો લાભ લીધો હતો.
બેઠક રોડ પર આવેલી મહાજન વાડી ખાતે પ્રભુ પ્રસાદી સહિતના વિવિધ આયોજન માટે વૈષ્ણવ સેવા પ્રભુ સાથે સંયોજક કપીલ કેશવદાસ, ગોપરાજ ગોપાલદાસ, રાજેન્દ્રભાઈ ધોળકિયા તથા તેમની ટીમ સહિતના પ્રભુ ભક્તોએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.