દેશના 73માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આજે દિલ્હીના રાજપથ પર રાષ્ટ્ર શક્તિ અને રાષ્ટ્રભક્તિના દર્શન થયા હતાં. કોરોના મહામારી વચ્ચે પણ મર્યાદિત દર્શકોની ઉપસ્થિતિમાં આન-બાન અને શાનથી દેશના ગણતંત્ર પર્વની ભવ્યતા પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી. જ્યારે જવાનોને શૌર્ય પુરસ્કારથી સન્માનિત કર્યા હતાં. આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ઉત્તરાખંડની ટોપીમાં સજ્જ થઇને યુધ્ધ સ્મારક પર શહિદોને શ્રધ્ધાંજલિ પાઠવી હતી. ત્યારબાદ તેઓ રાષ્ટ્રપતિ સાથે પ્રજાસત્તાક પરેડની ઉજવણીમાં જોડાઇ ગયા હતાં. રાજપથ પર સૈન્યની ત્રણેય પાંખો તેમજ જુદા જુદા સુરક્ષાદળોના જવાનોએ માર્ચપાસ્ટ યોજી હતી. આજની માર્ચપાસ્ટમાં વિશેષરૂપે નારી શક્તિના દર્શન થયા હતાં. નૌ-સેનાની મહિલા અધિકારીઓ અને જવાનોએ ટુકડી ધ્યાના આકર્ષક રહી હતી. રાષ્ટ્રગાન સાથે પ્રારંભ થયેલી ઉજવણી અંતર્ગત 21 ટોપોની સલામી પણ આપવામાં આવી હતી. જવાનોને માર્ચપાસ્ટ બાદ વિવિધ રાજ્યો અને સરકારના વિવિધ વિભાગોના ટેબ્લોની ઝાંખી પ્રદર્શિત કરવામાં આવી હતી. ખાસ કરીને ગુજરાતના ટેબ્લોએ આકર્ષક જગાવ્યું હતું. રાજપથ પર જ્યારે ગુજરાતનો ટેબ્લો પસાર થયો ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે તેનું અભિવાદન કર્યું હતું. આ વખતે પ્રથમ વખત જ 1965 અને 1971ના યુધ્ધમાં ઉપયોગમાં લેવાયેલા શસ્ત્રોનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. ભારતીય વાયુસેનાના 75 વિમાનોએ આકાશમાં ફલાઇપાસ્ટ કરી એક અનોખો માહોલ ઉભો કર્યો હતો. આ ફલાઇપાસ્ટમાં વાયુસેનાના રાફેલ, સુખોઇ, જગુઆર, એમઆઇ-17, સારંગ, અપાચે, ડાકોટા જેવા યુધ્ધ વિમાનો અને હેલિકોપ્ટરોએ ભાગ લીધો હતો. આજે 26મી જાન્યુઆરી નિમિત્તે દેશ પોતાનો 73મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યું છે. વર્ષ 1950માં આ દિવસના રોજ દેશનું બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ વોર મેમોરિયલ ખાતે પહોંચી ગયા હતા અને તેમણે દેશ માટે અલગ અલગ યુદ્ધો અને ઓપરેશન્સમાં શહીદ થયેલા આશરે 26,000 જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. વડાપ્રધાન મોદીએ આજે ઉત્તરાખંડની ટોપી પહેરી છે. તેના પર બ્રહ્મકમળનું ફૂલ બનેલું છે. તે ઉત્તરાખંડનું રાજકીય પુષ્પ છે. વડાપ્રધાન મોદી જ્યારે કેદારનાથ ખાતે પૂજા કરવા પહોંચ્યા હતા ત્યારે તેમણે આ ફૂલ જ ચઢાવ્યા હતા. વડાપ્રધાન મોદીએ મણિપુરનો ગમછો પણ પહેર્યો છે. ઉલ્લેખનીય છે કે, આગામી મહિને આ બંને રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે વડાપ્રધાનની આ વેશભૂષા આ બંને રાજ્યો માટેના સંકેત તરીકે જોવામાં આવી રહી છે. ગણતંત્ર દિવસ પર પીએમ મોદીએ નેશનલ વોર મેમોરિયલ ખાતે દેશ માટે અલગ અલગ યુદ્ધો અને ઓપરેશન્સમાં જીવ ગુમાવનારા શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.