રાજકોટ શહેરમાં છેલ્લાં કેટલાંક દિવસોથી પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઈવના નામે ટુ વ્હીલર વાહનચાલકો પાસેથી ‘દંડની રોકડી’ શરૂ કરી છે. આ રોકડીથી બચવા માટે રાજકોટીયન્સે પણ એક જબરદસ્ત તોડ શોધી કાઢયો છે. પોલીસની કાર્યવાહીથી વાહનચાલકોના નાણાં બચાવવા માટે દરેકને આ અંગેની જાણ કરવી શકય ન હોય. કોઇ ભેજાબાજે સીધા ગુગલ મેપ પર જ પોલીસના લોકેશન દર્શાવી દીધા છે. જેમાં લોકેશન પર લખવામાં આવ્યું છે કે ‘દરરોજ અહીં રોકડી કરવા ઉભા રહે છે’, ‘રોકડીનું કામ ચાલુ છે’, ‘પોલીસ હે ભાઈ’ ગુગલ મેપ પર જુદા જુદા સ્થળોએ પોલીસ ડ્રાઈવનું લોકેશન જાણી શકાય છે.


આ લોકેશન જાણીને હેલ્મેટ વગરના વાહનચાલકો અહીં જવાથી બચે છે અથવા તો પોતાનો રૂટ ડાયવર્ટ કરી લ્યે છે જેના કારણે દંડની મોટી રકમમાંથી બચી શકાય છે. ગુગલ મેપ પર આ રીતે લોકેશન આઇડેન્ટીફાઈ કરવા સહેલા નથી હોતા, તે અંગે અનેક પ્રોસીઝર કરવી પડે છે પરંતુ ભેજાબાજ રાજકોટીયન્સે આ કમાલ પણ કરી દેખાડી લોકોને પોલીસની રોકડીથી બચાવવાનો પ્રયાસ કર્યો છે. જો કે આ પ્રકારનો અખતરો કોણે કર્યો ? કેવી રીતે કર્યો ? તેમાં ગુગલમેપની શું ભૂમિકા છે ? તે અંગે જાણી શકાયું નથી પરંતુ, પોલીસને ખો આપવાની આ ટેકટીસ ભારે ચર્ચાસ્પદ અને રસપ્રદ બની છે.



