રાજકોટ ખાતે રહેતા દંપતી-પુત્રીઓ સાથેના પરિવારજનો તાજેતરમાં દીપોત્સવી પર્વ નિમિત્તે દ્વારકા ખાતે દર્શનાર્થે આવ્યા હતા. ત્યારે તેમની રિક્ષાની એક ટ્રક સાથે ટક્કર થતાં રિક્ષામાં જઈ રહેલા મહિલાનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે મૃતકના પતિ અને પુત્રીઓ ઈજાગ્રસ્ત બન્યા હતા.
આ કરુણ બનાવની વિગત એવી છે કે રાજકોટના હુડકો ક્વાર્ટર, કોઠારીયા મેઈન રોડ વિસ્તારમાં રહેતા પરેશભાઈ બીપીનભાઈ વડેરા નામના 35 વર્ષના લોહાણા વેપારી યુવાન તેમના પત્ની ચાર્મીબેન (ઉ.વ. 33) તેમજ 15 વર્ષીય પુત્રી મહેક અને 10 વર્ષની પુત્રી માહી સાથે ગત તા. 26 ના રોજ દ્વારકા દર્શનાર્થે આવ્યા હતા.
દ્વારકાધીશ મંદિરમાં દર્શન કરી અને તેઓ વિજયભાઈ કણજારીયા નામના એક વ્યક્તિના જી.જે. 37 યુ. 3491 નંબરના રિક્ષામાં બેસીને આ પરિવારજનો દ્વારકા નજીકના રુક્ષ્મણી મંદિરે દર્શન કરીને હનુમાન દાંડી તરફ ગયા હતા. આ દરમિયાન મીઠાપુરના સુરજકરાડી ખાતે પહોંચતા ટાટા કંપની નજીક રહેલા જી.જે. 10 એક્સ. 7455 નંબરના એક ટ્રકની સાઈડ કાઢવા જતા પુરઝડપે રહેલી આ રીક્ષા ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર ટકરાઈ હતી.
આ ગંભીર અકસ્માતમાં રીક્ષામાં જઈ રહેલા ચાર્મીબેન પરેશભાઈ વડેરાનું ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે પરેશભાઈ તથા તેમની બંને પુત્રીઓને શરીરના જુદા જુદા ભાગોમાં નાની-મોટી ઇજાઓ સાથે ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ માટે મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ સમગ્ર બનાવ અંગે મીઠાપુર પોલીસે પરેશભાઈ વડેરાની ફરિયાદ પરથી રીક્ષાના ચાલક વિજય કણજારીયા સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.


