ટિકિટ વિના અને નિયમો વિરૂધ્ધ મુસાફરી કરતા લોકોને રોકવા માટે રાજકોટ ડીવીઝનમાં સમગ્ર માસ દરમિયાન સધન ટિકિટ ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. રાજકોટ ડિવિઝન દ્વારા ટિકિટ ચેકિંગની આવકમાં નવા આયામો પ્રસ્થાપિત કરવામાં આવી રહ્યા છે. એપ્રિલ, 2022 ના મહિનામાં નોંધપાત્ર સિદ્ધિ મેળવીને રાજકોટ ડિવિઝને ટિકિટ વિનાના/અનિયમિત ટિકિટ સાથે મુસાફરી કરતા 25973 મુસાફરો પાસેથી રૂ. 1.99 કરોડ વસૂલ કર્યા છે, જે એક જ મહિનામાં ટિકિટ ચેકિંગ થી આવક નો અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ આંકડો છે. અગાઉ, માર્ચ, 2022 ના મહિનામાં 22464 મુસાફરો પાસેથી રાજકોટ ડિવિઝન દ્વારા રૂ. 1.61 કરોડ વસૂલ કરવામાં આવ્યા હતા. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના માર્ગદર્શન હેઠળ આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર પી ચંદ્રશેખર, ડિવિઝનલ ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટર કે.સી. ગુર્જર અને અન્ય ટિકિટ ચેકિંગ સ્ટાફ દ્વારા સઘન ટિકિટ ચેકિંગ ઝુંબેશ ચલાવીને આ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.
રાજકોટ ડિવિઝન દ્વારા એપ્રિલ, 2022માં ટિકિટ વિનાના/અનિયમિત ટિકિટ ધરાવનાર 25973 મુસાફરો પાસેથી કુલ રૂ. 1,99,49,720/- વસૂલવામાં આવ્યા છે, જેમાંથી ટિકિટ વિના મુસાફરી કરતા 25948 મુસાફરો પાસેથી રૂ. 1,99,41,520/-, ઓવર ટ્રાવેલિંગ કરતાં 3 મુસાફરો પાસેથી રૂ 1,350/-, ઉચ્ચ વર્ગમાં મુસાફરી કરતાં 13 મુસાફરો પાસેથી રૂ. 6,350/- અને વધુ સામાન લઈ જતાં 9 મુસાફરો પાસેથી રૂ. 500/- વસૂલવામાં આવ્યા છે.
રાજકોટના ડિવિઝન ના ડિવિઝનલ રેલવે મેનેજર અનિલ કુમાર જૈને ટિકિટ ચેકીંગ સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને તેમની રેકોર્ડબ્રેક કામગીરી બદલ બિરદાવી હતી અને તમામ રેલવે મુસાફરોને યોગ્ય ટિકિટ ખરીદીને સમ્માન સાથે મુસાફરી કરવા અપીલ કરી છે.