જામનગરના કુખ્યાત શખ્સ અને તેની ગેંગના સભ્યો દ્વારા ખાનગી ફાયનાન્સ કંપની મારફતે લોન પર ટ્રકો મેળવ્યા પછી હપ્તા નહીં ભરી ફાયનાન્સ કંપનીનીને કરોડોનું નુકસાન પહોંચાડવાના કાવતરામાં પોલીસે ગુનો નોંધી પાંચ શખ્સોની અટકાયત કરી રૂા.10 કરોડની કિંમતના 26 ટ્રકો કબ્જે કરી આગળની તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ખાનગી કંપનીના અધિકારીઓ દ્વારા નોંધાવાયેલી ફરિયાદમાં જુદા જુદા 16 શખ્સોએ 31 ટ્રકોની 36 લોન લઇ વ્યાજ સહિત રૂા.13,06,72,884 ની ઠગાઈ કર્યાની ફરિયાદના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે તપાસ આરંભી ઠગાઈ અને વિશ્ર્વાસઘાતની આ ફરિયાદમાં આમીન નોતિયાર, રજાક ઉર્ફે સોપારી ચાવડા અને રામ નંદાણિયા નામના ત્રણ સાગરિતોએ એક સંપ કરી જુદા જુદા 36 ટ્રકોની લોન લઈ અમુક ઈએમઆઈ ભરી જ્યારે બાકીના ઈએમઆઈ ભરી ટ્રક પોતાના કબ્જામાં રાખી ટ્રાન્સપોર્ટનો વ્યવસાય ચલાવતા હતાં ઉપરાંત કંપીનના કર્મચારીઓ કે અધિકારીઓ લોનની તપાસ માટે જાય ત્યારે અધિકારી કે કર્મચારીને ડરાવી – ધમકાવી લોનનો હપ્તો પણ ભરતા ન હતાં અને કર્મચારીને તથા તેના પરિવારને મારી નાખવાની ધમકી આપતા હતાં. ઉપરાંત ત્રણેય શખ્સોએ ભેગા મળી અન્ય શખ્સો પાસેથી રૂા.45 થી 50 લાખ રૂપિયામાં નવી ટ્રકો ઈએમઆઈ ઉપર લેવડાવી અને આ ટ્રકો પોતાના કબ્જામાં રાખતા હતાં.
તેમજ બે થી ત્રણ હપ્તા ઈએમઆઈ પર ભરીને બાકીના હપ્તા નહીં ભરી આ ટ્રકો પોતાના ટ્રાન્સપોર્ટમાં ઉપયોગ કરતા હતાં. તેમજ કંપનીના અધિકારી અને કર્મચારીને ધમકાવીને આ ટ્રકોની 45-50 લાખની લોનો માટે રૂા.4 થી 5 લાખ રૂપિયામાં સેટલમેન્ટ કરાવતા હતાં અને આ ટ્રકો સીઝ થવા દેતા ન હતાં. ઉપરાંત જામનગર-દ્વારકા-પોરબંદર- જૂનાગઢ-ગીરસોમનાથ- રાજકોટ-મોરબી-કચ્છ-અને સુરેન્દ્રનગર જિલ્લામાં અન્ય આરોપીઓ સાથે ઈએમઆઈ ન ભરી અને ટ્રકો પોતાના ટ્રાન્સપોર્ટમાં ચલાવતા હતાં. તપાસ દરમિયાન પોલીસે રામ ભીમશી નંદાણિયા સહિતના પાંચ શખ્સોની ધરપકડ કરી તેમની પાસેથી કુલ રૂા.10 કરોડની કિંમતના 24 ટ્રકો કબ્જે કરી અન્ય સંડોવાયેલા અન્ય આરોપીઓની ધરપકડ કરવા તપાસ તથા બીજા ટ્રકો કબ્જે કરવા તપાસ આરંભી હતી.