જામનગર જિલ્લામાં છેલ્લાં 24 કલાક દરમિયાન વરસેલા વરસાદે કહેર મચાવી દીધો છે.જેમાં સામાન્ય ઝાપટાથી લઇ ચાર ઈંચ જેટલા વરસાદના કારણે જામજોધપુર પંથકમાં વરસાદી વીજળીના કારણે એક યુવાનનું અને 30 ઘેટા-બકરાનો ભોગ લેવાયો હતો. જ્યારે કાલાવડ તાલુકાના ડેરી ગામમાં બળદગાડુ પલ્ટી જતાં બળદનું મોત નિપજ્યું હતું અને એક બાળક પાણીમાં લાપતા થવાથી તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગર જિલ્લામાં પડેલા સામાન્ય ઝાપટાથી 4 ઈંચ સુધીના વરસાદે કહેર વરસાવી દીધો છે. જેમાં બે યુવાનોના મોત અને અનેક પશુઓના મોત નિપજ્યાની ઘટનાથી અરેરાટી ફેલાઈ ગઈ છે. જામનગર જિલ્લામાં 24 કલાક દરમિયાન પડેલા વરસાદના આંકડામાં કાલાવડમાં ધોધમાર બે ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે લાલપુરમાં એક ઈંચ અને જામજોધપુરમાં અડધો ઈંચ પાણી પડયું હતું. ઉપરાંત કાલાવડ તાલુકાના ખરેડી ગામમાં ધોધમાર ચાર ઈંચ વરસાદ વરસતા સર્વત્ર પાણી-પાણી થઈ ગયું હતું અને ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા હતાં તેમજ નવાગામમાં દોઢ ઈંચ અને મોટા વડાળા તથા ભલસાણ બેરાજામાં અડધો-અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે નિકાવામાં સામાન્ય ઝાપટું પડયું હતું.
કાલાવડ તાલુકામાં વરસેલા વરસાદના કારણે ડેરી ગામમાં બળદ ગાડુ પલ્ટી ખાઈ જતાં એક બળદનું મોત નિપજ્યું હતું જ્યારે એક બાળક તણાઈ જતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત કાલાવડમાં એક ગાયનું મોત નિપજ્યું હતું. જામનગર તાલુકાના મોટી ભલસાણ, જામવણથલીમાં અડધો-અડધો ઈંચ અને અલિયાબાડામાં સામાન્ય ઝાપટું વરસ્યું હતું. જોડિયા તાલુકાના પીઠડ ગામમાં એક ઈંચ અને બાલંભામાં પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે લાલપુર તાલુકાના મોટા ખડબામાં એક ઈંચ વરસાદ અને પીપરટોડા, હરીપરમાં અડધો-અડધો ઈંચ અને ભણગોરમાં સામાન્ય ઝાપટું પડયું હતું.
જ્યારે જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામમાં ધોધમાર ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતોા. જ્યારે ધુનડામાં વધુ બે ઈંચ પાણી પડયું હતું તથા વાંસજાળિયામાં સવા ઈંચ અને ધ્રાફામાં એક ઈંચ વરસાદી પાણી પડયાના અહેવાલ છે. જ્યારે સમાણામાં પોણો ઈંચ અને જામવાડી તથા પરડવામાં જોરદાર ઝાપટા વરસ્યા હતાં. ધ્રોલ તાલુકા કોરો ધાકોડ રહ્યો હતો.
જામજોધપુર પંથકમાં બુધવારે પડેલા વરસાદના કારણે બમથીયા ગામમાં કરૂણાજનક કિસસો બન્યો છે, અને વરસાદી વીજળીના કારણે એક યુવાને જીવ ખોયો છે. જેની સાથે 30 ઘેટા બકરાના પણ મોત થયા છે.
જામજોધપુર તાલુકાના બમથીયા ગામમાં રહેતો ગોગનભાઈ બુધાભાઈ નામનો 25 વર્ષનો ભરવાડ યુવાન કે જે બુધવારે બપોરના સમયે બમથીયા ગામની સીમ વિસ્તારમાં ઘેટા બકરા ચરાવવા માટે ગયો હતો. જે દરમિયાન આકાશમાં એકાએક કડાકા ભડાકા સાથે વીજળી અને વરસાદ શરૂ થયો હતો. જેમાં વરસાદી વીજળી પડવાના કારણે ઘેટા બકરા ચરાવી રહેલા ગોગનભાઈ બુધાભાઈ નામનો ભરવાડ યુવાન ભડથુ થઈ જવાના કારણે બનાવના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. આ ઉપરાંત તેની સાથે રહેલા 40 જેટલા ઘેટા બકરા કે જેના પણ વીજળીના કારણે મૃત્યુ નિપજ્યા હતાં. આ બનાવને લઇને ભરવાડ પરિવારમાં ભારે ગમગીની છવાઈ હતી.
જામજોધપુરના મામલતદારની ટીમ તેમજ જામજોધપુરનો પોલીસ કાફલો વગેરે ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને સમગ્ર બનાવ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.