દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શનિવારે સાંજે મેઘરાજાએ વિરામ રાખ્યા બાદ ગઈકાલે સોમવારે સાંજથી પુન: વરસાદ શરૂ થયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન ખંભાળિયામાં અઢી ઈંચ સહિત દ્વારકા અને ભાણવડ પંથકમાં પણ નોંધપાત્ર વરસાદ વરસી ચુક્યો છે.
ખંભાળિયા તાલુકામાં ગઈકાલે રાત્રે આઠ વાગ્યાથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. જેણે આજે સવારે વેગ પકડ્યો હતો. આમ, ગઈકાલે રાત્રિના આઠ વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન 31 મિલીમીટર બાદ સવારે છ થી દસ વાગ્યા સુધી ધોધમાર વધુ એક ઈંચ (25 મી.મી.) વરસાદ વરસી ગયો હતો. આ રીતે છેલ્લા 14 કલાકના સમયગાળા દરમિયાન ખંભાળિયા તાલુકામાં અઢી ઈંચ જેટલો (56 મી.મી.) વરસાદ વરસી ચુક્યો છે.
આ લખાય છે ત્યારે સવારે 11 વાગ્યે પણ અવિરત વરસાદ ચાલુ છે. આમ, ધીમીધારે વરસાદથી જળ સ્ત્રોતો ઊંચા આવ્યા છે. જેથી ધરા તૃપ્ત બની છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આ સચરાચર વરસાદના કારણે ઘી ડેમની સપાટીમાં નોંધપાત્ર વધારો તથા સપાટી સાડા 16 ફૂટ ઉપર પહોંચી છે.
આ વર્ષે દ્વારકા તાલુકામાં પણ મેઘરાજા મહેરબાન રહ્યા છે. ગઈકાલના 18 મીલીમીટર વરસાદ બાદ આજે સવારે પણ ધીમી ધારે વધુ પાંચ મી.મી. પાણી વરસી ગયું છે. આમ એક ઈંચ જેટલા (23 મિલીમીટર) વરસાદથી દ્વારકામાં પણ મોસમનો કુલ વરસાદ સો ટકા સુધી પહોંચવા આવ્યો છે.
ભાણવડ તાલુકામાં આજે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન માત્ર છ મીલીમીટર બાદ આજે સવારે 8 થી 10 દરમ્યાન વધુ ચાર મિલિમિટર વરસાદ વરસી ગયો છે. જ્યારે કલ્યાણપુર પંથકમાં ગઈકાલે નોંધપાત્ર વરસાદ વરસ્યો ન હતો. પરંતુ આજે સવારે હળવા ઝાપટાં રૂપે ત્રણ મિલીમીટર પાણી વરસી ગયું હતું.
હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી આગાહી મુજબ જિલ્લામાં આવતીકાલે બુધવાર સુધી ભારે વરસાદ વરસવાની સંભાવના છે. જેના પગલે તંત્ર પણ એલર્ટ બન્યું છે. જિલ્લાના નાના જળ સ્ત્રોતો તરબતર બન્યા છે અને આ અવિરત વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. જેના પગલે હવે જનજીવન પ્રભાવિત બને તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.