- Advertisement -
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ વિરામ રાખ્યો છે. જો કે ગઈકાલે રવિવારે આખો દિવસ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં મેઘાવી માહોલ બરકરાર રહ્યો હતો. ખંભાળિયા તાલુકામાં પણ રવિવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે દિવસ દરમિયાન હળવા ઝાપટા વરસી ગયા હતા અને ખંભાળિયા તાલુકામાં આશ્ચર્યજનક રીતે રાત્રે 8 વાગ્યા સુધીમાં 12 કલાકના સમયગાળા દરમિયાન એક ઈંચ (23 મી.મી.) વરસાદ નોંધાઈ ચૂક્યો હતો. ખંભાળિયા તાલુકામાં શનિવારે બે મીલીમીટર વરસાદ નોંધાયો હતો.
આ સાથે છેલ્લા 48 કલાક દરમિયાન ભાણવડ તાલુકામાં બાર મિલીમીટર, કલ્યાણપુર તાલુકામાં ત્રણ અને દ્વારકા તાલુકામાં એક મિલીમિટર વરસાદ નોંધાયો છે.
ખંભાળિયા શહેરને પીવાનું તથા આસપાસના વિસ્તારોમાં સિંચાઈનું પાણી પૂરું પાડતો ઘી ડેમ ગઈકાલે વિધિવત રીતે ઓવરફ્લો થતો જોવા મળ્યો હતો. જેને નિહાળવા રવિવાર હોવાથી મોટી સંખ્યામાં લોકો ડેમ વિસ્તારમાં પહોંચી ગયા હતા.
આજે સવારે 8 વાગ્યા સુધીમાં મોસમનો કુલ વરસાદ ખંભાળિયા તાલુકામાં 35 ઈંચ (878 મિલિમિટર), કલ્યાણપુરમાં તાલુકામાં સાડા 22 ઈંચ (567 મિલિમિટર), દ્વારકામાં તાલુકામાં 22 ઈંચ (554 મિલિમિટર) અને ભાણવડ તાલુકામાં સડા 14 ઈંચ (368 મિલિમિટર) નોંધાયો છે.
આ મોસમનો સૌથી વધુ ખંભાળિયા તાલુકામાં 108 ટકા અને દ્વારકા તાલુકામાં 104 ટકા સાથે જિલ્લામાં કુલ સરેરાશ વરસાદ 83 ટકા વરસી ચૂક્યો છે.
ખંભાળિયા સહિત જિલ્લામાં સચરાચર અને મહદ અંશે પર્યાપ્ત પ્રમાણમાં વરસાદ વરસી જતા વાતાવરણ ઠંડુ બની રહ્યું હતું. આજે પણ સવારથી વાતાવરણમાં વાદળોની જમાવટ રહી હતી. ગત શનિવાર તથા રવિવારે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે માત્ર હળવા છાંટા જ વરસતા લોકોએ તથા ખાસ કરીને ધરતીપુત્રોએ રાતનો દમ ખેંચ્યો હતો.
- Advertisement -