29મેએ કેરળમાં પ્રવેશ્યા બાદ લગભગ શુષ્ક અને સ્થગિત થઇ ગયેલું ચોમાસું ફરી સક્રિય થયું છે. એક સપ્તાહ કરતાં વધુ સમયથી આગળ વધી નહીં શકેલું ચોમાસું આગામી સપ્તાહમાં ઝડપભેર આગળ વધી મધ્યભારત સુધીના વિસ્તારોને આવરી લે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બન્ને તરફ વરસાદી વાદળોની જમાવટ જોવા મળી રહી છે. જેને કારણે મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા સહિતના રાજયોમાં ચોમાસા પહેલાંની એકિટીવીટમાં વધારો થયો છે. જેના ભાગરૂપે દક્ષિણ ગુજરાતના વલસાડ શહેર અને આજુબાજુના વિસ્તારમાં ગત મધ્યરાત્રિ બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ગઇકાલે મહારાષ્ટ્રના મુંબઇ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ડાંગ, સાપુતારા અને સૌરાષ્ટના ગોંડલ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.
વલસાડ શહેર સહિત જિલ્લાના અનેક પથંકમાં શુક્રવારે મધ્યરાત્રિએ ગાજ વીજ સાથે વરસાદ વરસ્યો હતો. વલસાડ તાલુકામાં 14 મીમી અને કપરાડા તાલુકામાં 2 મીમી વરસાદ વરસ્યો હતો. વલસાડ શહેરમાં મધ્યરાત્રિએ આવેલા ધોધમાર વરસાદને પગલે વીજળી ડૂલ થઈ હતી, જેને લઈને શહેરમાં વીજ કંપની દ્વારા કરવામાં આવેલી પ્રિમોન્સૂનની કામગીરીની પોલ ખૂલી ગઈ હતી. શહેરના અનેક વિસ્તારોમાં વીજપ્રવાહ ખોરવાયો હતો. શહેરમાં પ્રથમ વરસાદે જ વીજ કંપનીના કર્મચારીઓને દોડતા કરી દીધા હતા. મહારાષ્ટ્રમાં પડી રહેલા વરસાદ બાદ વલસાડ શહેરમાં પણ વરસાદે દસ્તક દીધી છે. શહેરમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જોકે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં વીજપ્રવાહ ખોરવાયો હતો. વીજ કંપની દ્વારા કરવામાં આવેલી પ્રીમોન્સૂન કામગીરીઓ સામે અનેક સવાલો ઊઠ્યા હતા.