રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી કમોસમી વરસાદની આગાહી વચ્ચે જામનગર શહેર-જિલ્લામાં હવામાનમાં પલ્ટો આવતાં ભરશિયાળે કમોસમી વરસાદનું ઝાપટું વરસ્યું હતું. હાલારમાં હળવા છાંટાને કારણે ખેડૂતોને નુકસાની થવાની દહેશત ફેલાઇ હતી. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા વાતાવરણમાં પલ્ટાથી દિવસભર વાદળોના સામ્રાજ્યને કારણે ભરશિયાળે વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. વ્હેલીસવારથી ઠંડા પવનના સુસવાટા અને વાદળછાયા વાતાવરણ વચ્ચે જામનગર અને દ્વારકા જિલ્લામાં વરસાદના છૂટાછવાયા છાંટાઓ પડયા હતાં. હવામાન વિભાગ દ્વારા હજૂ બે દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હોય, ખેતરોમાં ઉભા તૈયાર પાકને નુકસાન થાય તેવી ભીતિથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. ખેડૂતોનો મગફળી, કપાસ સહિતના પાકો તૈયાર થઇ ચૂકયા છે. મોટાભાગના ખેતરોમાં મગફળીના પાથરા પડયા છે. એવામાં વરસાદી ઝાપટાને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. જામનગર શહેરની સાથે તાલુકામાં પણ વાદળછાંયા વાતાવરણ વચ્ચે હળવાછાંટા વરસ્યા હતાં.