સમગ્ર ભારતમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. મુંબઇ બેહાલ બની છે તો કયાંક કિશ્તવાડમાં સ્થિતિ બેકાબુ બની છે. ઉત્તર ભારતમાં સાર્વત્રિક વરસાદ જામ્યો છે ત્યારે મુંબઇના રસ્તાઓ પર જાણે દરિયો ઉતરી આવ્યો છે તો ગુજરાતમાં પણ ગીર પંથકમાં મુશળધાર વરસાદ અને સાર્વત્રિક મેઘમહેર થઈ રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં રાજ્યના કેટલાંક ભાગોમાં વરસાદની આગાહી છે. જ્યારે આજે સાત જિલ્લામાં ‘રેડ એલર્ટ’ જાહેર કરાયા છે.
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આજે જૂનાગઢ જિલ્લા માટે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યુ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટીંગ કરતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે. કેટલાંક વિસ્તારોમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડયો છે તો ભારે વરસાદના પગલે ફરી એકવાર મુંબઇની ગતિ પર બે્રક લાગી ગઇ હતી. મોડીરાતથી પડી રહેલા ભારે વરસાદને કારણે મુંબઇ પણ પાણી પાણી થઈ ગઇ છે.
ગત 24 કલાકમાં ગુજરાતના 82 તાલુકામાં વરસાદ ખાબકયો છે. જેમાં ગીર સોમનાથના સુત્રાપાડામાં ધોધમાર વરસાદ ખાબકયો હતો. જ્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 24 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદને લઇને આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં કુલ ચાર સિસ્ટમ સક્રિય છે. જેના કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહીના પગલે આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે. જ્યારે આજે બપોર સુધી મહિસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, દેવભુમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદને લઇને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
જ્યારે 18 થી 22 ઓગસ્ટ સુધી રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શકયતાઓ હવામાન વિભાગે કરી છે. આજે અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદને લઇને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સક્રિય થયેલી ચાર વરસાદી સિસ્ટમને કારણે આગામી દિવસોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શકયતા છે.


