અમદાવાદમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. ભારે વરસાદની શરૂઆત સાથે જ લોકોના મનમાં રવિવારની યાદ તાજી થઈ ગઈ છે. ઉલ્લેખનિય છે કે, રવિવારના રોજ ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં કેડ સમાણા પાણી ભરાયા હતા અને નીચાણવાળા વિસ્તારો બેઝમેન્ટ વગેરેમાં આવેલી દુકાનો, પાર્કિંગ બધું જ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. આજે સવારથી વરસી રહેલા વરસાદના કારણે પૂર્વ રિવરફ્રન્ટ પર પાણી ભરાઈ ગયા છે. શહેરના વેજલપુર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ઉસ્માનપુરા વિસ્તારમાં પણ એક ઈંચ વરસાદ વરસી ચુક્યો છે. અમદાવાદમાં સવારના 10:00 વાગ્યા સુધીમાં જ અનરાધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. વરસાદ શરૂ થયાના થોડાંક જ સમયમાં શહેરના ચાંદખેડા વિસ્તારમાં સૌથી વધુ 1.5 ઈંચ વરસાદ ખાબક્યો છે.
અખબારનગર અંડરપાસમાં પાણી ભરાવાના કારણે તેને બંધ કરી દેવામાં આવ્યો છે. ઉપરાંત મોટી વણજાર અંડરપાસને પણ પાણી ભરાવાના કારણે બંધ કરી દેવામાં આવ્યો છે. વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ફરી એક વખત પાણી ભરાવાના શરૂ થઈ ગયા છે. શહેરના તમામ વિસ્તારોમાં થોડાંક કલાકોમાં જ એક ઈંચ વરસાદ વરસી ગયો છે. આજે વહેલી સવારથી લગભગ 08:30 વાગ્યા બાદથી અમદાવાદ શહેરમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે.
વરસાદના પગલે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે પોલીસકર્મીઓ માટે આદેશ જાહેર કર્યો છે. પોલીસ કમિશનરના આદેશ પ્રમાણે મોનસૂન પ્લાન તરત જ સક્રિય થવો જોઈએ અને પોલીસ વર્ચ્યુઅલ સ્ટેન્ડ ટુમાં હોવી જોઈએ. તમામ પીઆઈ, એસપી, ડીસીપી (ટ્રાફિક સહિત) અને તેનાથી ઉપરના પોલીસ કર્મચારીઓને જાહેર જનતાને જ્યારે પણ અને જ્યાં જરૂર હોય ત્યાં તેમના સંબંધિત વિસ્તારોમાં સક્રિયપણે હાજર રહેવા જણાવવામાં આવ્યું છે.