સંસદના ચોમાસુ સત્ર દરમ્યાન શુક્રવારે રાજ્યસભામાં ભારે હોબાળો થયો હતો. તેમજ અગ્નિપથ યોજનાનાં વિરોધ દરમિયાન રેલવેને થયેલ નુકશાન અંગે રેલ મંત્રી અશ્વિની ષ્ણવે અલગ-અલગ સવાલોના લેખિત જવાબ આપતાની સાથે માહિંતી રજૂ કરી હતી.
રાજ્યસભામાં અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, અગ્નિપથ યોજનાના વિરોધમાં આંદોલનના કારણે રેલ્વેને 259.44 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. સાથે જ 15 જૂનથી 23 જૂનની વચ્ચે 2132 ટ્રેન પણ રદ કરવી પડી હતી. રેલ મંત્રીએ કહ્યું કે, અગ્નિપથ યોજનાના વિરોધના કારણે ટ્રેન રદ થવાથી 14 જૂનથી 30 જૂન સુધી લગભગ 102.96 કરોડ રૂપિયાનું રિફંડ મુસાફરોને આપવામા આવ્યું. તો વળી રેલ્વેની સંપત્તિને પણ ઘણુ નુકસાન ઉઠાવવું પડ્યું છે. જો કે, હવે પ્રભાવિત સેવાઓ રૂટિન થઈ ગઈ છે. સ્થિતિ એકદમ સામાન્ય છે.
રેલ્વેના જણાવ્યા અનુસાર, વિરોધ પ્રદર્શનની સૌથી વધારે અસર તેલંગણા અને બિહાર જેવા રાજ્યોમાં થઈ છે. અહીં લગભગ એક અઠવાડીયા સુધી અગ્નિપથ યોજનાને લઈને વિરોધ પ્રદર્શન થતાં રહ્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન સૌથી વધારે 1051 લોકોની ધરપકડ દક્ષિણ ઝોનમાં થઈ હતી. અગ્નિપથ મામલામાં હવે દિલ્હી હાઈકોર્ટ સુધી પહોંચી ચુક્યો છે. આ યોજનાને પડકાર આપતી તમામ અરજીઓ એક સાથે જોડવામાં આવી છે અને 25 ઓગસ્ટના રોજ દિલ્હી હાઈકોર્ટમાં તેના પર સુનાવણી થશે. સાથએ જ એવું પણ કહ્યું છે કે, જ્યાં સુધી દિલ્હી હાઈકોર્ટ તેના પર સુનાવણી ન કરે, ત્યાં સુધી કોઈ પણ કોર્ટમાં આ સંબંધિત કોઈ પણ નિર્ણય સંભળાવી શકશે નહીં. આ સુપ્રીમ કોર્ટનો સ્પષ્ટ નિર્દેશ છે. અગ્નિપથ યોજનાની જાહેરાત બાદ ઉત્તર ભારતના રાજયોમાં યુવાનોમાં ભારે વિરોધ ફાટી નિકળ્યો હતો.