રેલવેમાં નવી હાઇસ્પીડ ટ્રેનો ચલાવવાથી માંડીને પ્રવાસીઓની સુવિધામાં અનેકવિધ સુધારા થવાના પરિણામે રેલવેની આવકમાં રેકોર્ડબ્રેક વધારો થયો છે અને પુરા થયેલા 2023-24માં 2.56 લાખ કરોડની આવક મેળવી છે.
કેન્દ્રના રેલવે મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે ટ્વીટ મારફત કહ્યું કે 2023-24માં રેલવેની આવક 2.56 લાખ કરોડ પહોંચી હતી જે આગલા વર્ષે 2.40 લાખ કરોડની હતી. આ વર્ષ દરમ્યાન 1591 મીલીયન ટન નૂર પરિવહન કર્યું હતું જે આગલા વર્ષે 1512 મીલીયન ટન હતું. 2023-24ના નાણાં વર્ષ દરમ્યાન 5300 કિલોમીટર ટ્રેક બીછાવવામાં આવ્યા હતા અને 551 ડીજીટલ સ્ટેશન ઉભા કરવામાં આવ્યા હતા. વચગાળાના બજેટમાં રેલવેને ચાલુ વર્ષ માટે 2.52 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી હતી જે આગલા વર્ષના 2.40 લાખ કરોડ કરતાં પાંચ ટકા વધુ હતી.રેલવે મંત્રાલયના આંતરિક તથા બાહ્ય સ્ત્રોતની આવક ઘટીને 13000 કરોડ થઇ છે જે આગલા વર્ષે 52783 કરોડની હતી આ નાણાનો ઉપયોગ રેલવે ટ્રેક બીછાવવા, વેગન-ટ્રેન નિર્માણ, ઇલેકટ્રીફીકેશન, સિગ્નલ તથા રેલવે સ્ટેશનોને આધુનિક બનાવવામાં થાય છે.