જામનગરની સરકારી ફીઝીયોથેરાપી કોલેજની બોયઝ હોસ્ટેલમાં સામૂહિક રેગીંગની ચોંકાવનારી ઘટનામાં 28 વિદ્યાર્થીઓ સાથે 15 જેટલા સીનીયર વિદ્યાર્થીઓ દ્વારા રેગીંગ કર્યાની લેખિત ફરિયાદના પગલે એન્ટી રેગિંગ કમિટીની તત્કાલ બેઠક યોજાયા બાદ નિવેદનો લેવામાં આવી રહ્યા છે તેમજ કોલેજ છોડીને ગયેલા વિદ્યાર્થીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી નિવેદનો લેવામાં આવ્યાં છે.
આ ઘટનાની મળતી વિગતો મુજબ જામનગરમાં જૂની પોલીસ લાઈન પાછળ આવેલી સરકારી ફીઝીયોથેરાપી કોલેજની બોયઝ હોસ્ટેલના દ્વિતિય વર્ષના 28 જેટલા વિદ્યાર્થીઓએ કોલેજના પ્રિન્સીપાલ દિનેશભાઈ સોરાણી સમક્ષ રેગીંગ થતું હોવાની લેખિત ફરિયાદમાં બીજા વર્ષના છાત્રોએ પ્રથમ વર્ષના અભ્યાસ માટે આવ્યા ત્યારથી હોસ્ટેલમાં ધ ઈન્ટ્રો (ઈન્ટ્રોડકશન) ના નામે એકાદ ડઝન વખત ત્રીજા અને ચોથા વર્ષના હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. ચોંકાવનારી બાબત એ છે કે, આ સામુહિક રેગીંગ કાંડમાં સિનિયર છાત્રોના ત્રાસના કારણે ત્રણ-ચાર વિદ્યાર્થીઓને કોલેજ છોડીને જતાં રહ્યા હતાં તેમજ વિદ્યાર્થીને કલાકો સુધી ઉભા રખાતા એક વિદ્યાર્થી બેશુધ્ધ થઈ ગયો હોવાનો બનાવ પણ બહાર આવ્યો છે. રેગીંગ કાંડમાં 15 જેટલા સીનીયર વિદ્યાર્થીઓ દ્વારા રેગીંગ કરવામાં આવ્યું હોવાનું તપાસમાં ખુલ્યું હતું.
જામનગરની સરકારી ફિઝીયોથેરાપી કોલેજના પ્રિન્સીપાલ દ્વારા ત્વરિત કોલેજની એન્ટી રેગીંગ કમિટિની મીટીંગ બોલાવી વિદ્યાર્થીઓએ કરેલી રેગીંગ અંગેની લેખિત ફરિયાદ અંગે પ્રાથમિક ચર્ચા કરવામાં આવ્યા પછી સમગ્ર મામલાની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું. આ સમિતિ 24 કલાકમાં તપાસ રિપોર્ટ કોલેજની એન્ટી રેગીંગ કમિટિને આપશે. આ અહેવાલના આધારે પુરાવા તથા નિવેદનો બાદ રેગીંગ કરનારા કોલેજના ત્રીજા અને ચોથા વર્ગના વિદ્યાર્થીઓ સામે કાયદાકીય જોગવાઈ હેઠળ કયા શિક્ષાત્મક પગલાં લેવા તેનો નિર્ણય કરવામાં આવશે. તેમજ સુત્રોમાંથી સાંપડતી વિગતો મુજબ રેગીંગ મામલે નિયુકત કરાયેલી ડો. કરિશ્મા જગડ, ડો. જય સાતા તેમજ પત્રકાર ગિરીશ ગણાત્રાની ત્રણ સભ્યોની સમિતિ દ્વારા તપાસ શરૂ કરી પ્રથમ રેગીંગનો ભોગ બનેલા છાત્રોના નિવેદનો લીધા બાદ રેગીંગ કરનાર વિદ્યાર્થીઓને પણ રૂબરૂ બોલાવી પૂછપરછ કરી રિપોર્ટ સોંપવામાં આવશે.