ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબ અને ચંદીગઢ રાજ્યના પ્રભારી બનાવીને કેન્દ્રીય મોવડીમંડળે ગુજરાત ભાજપના પ્રદેશ એકમને ચોંકાવી દીધું છે. રાજ્યમાં પ્રચારની જવાબદારી વચ્ચે આ નિયુક્તિથી ભાજપના પ્રદેશ નેતાઓને આશ્ચર્ય થયું છે. પાર્ટીના સૂત્રો કહે છે કે વિજય રૂપાણીને રાષ્ટ્રીય કક્ષાએ મોટી જવાબદારી આપવામાં આવી છે પરંતુ આ જવાબદારી એવા સમયે આપવામાં આવી છે કે જ્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીને બે રાજ્યોના પ્રભારી બનાવવામાં આવ્યા છે. ભાજપે કુલ 15 રાજ્યોમાં નવા પ્રભારીઓની નિમણૂક કરી છે. પંજાબમાં અત્યારે આમ આદમી પાર્ટીની સરકાર છે. ભાજપ અને તેની સહયોગી પાર્ટીઓ ઉપરાંત કોંગ્રેસની આ રાજ્યમાં કારમી હાર થઇ છે.
આમ આદમી પાર્ટી શાસિત રાજ્યમાં વિજય રૂપાણી ભાજપને બેઠી કરવાનું કામ કરશે. આ રાજ્યમાં ભાજપ માટે લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિ હોવા છતાં હાઇકમાન્ડે વિજય રૂપાણી પર ભરોસો મૂકી આ જવાબદારી સોંપી છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આ નિયુક્તિઓ કરી છે. ગુજરાતની ચૂંટણી પહેલાં વિજય રૂપાણી નવી ભૂમિકામાં આવી ગયા છે. પંજાબમાં ચૂંટણીને હજી ચાર વર્ષની વાર છે. આ વર્ષોમાં વિજય રૂપાણી પ્રભારી બનીને પંજાબ અને ચંદીગઢમાં ભાજપને મજબૂત કરવાનો પ્રયાસ કરશે. વિજય રૂપાણી માટે એવું કહેવાય કે તેઓ સંગઠનના નેતા છે. અગાઉ તેઓ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યાં છે.
પ્રભારીની નિયુક્તિ સાથે ગુજરાતમાં રૂપાણીનો રોલ પૂર્ણ થયો છે. થોડાં સમય પહેલાં અંબાજી દર્શને ગયા હતા ત્યારે ખુદ વિજય રૂપાણીએ કહ્યું હતું કે પાર્ટી ટિકીટ આપશે તો વિધાનસભાની ચૂંટણી લડવાની ઇચ્છા છે, જો ટિકીટ નહીં આપે તો ભાજપને જીતાડવાનું કામ કરીશ. હવે તેઓ પ્રભારી બની ચૂક્યાં છે તેથી તેમની રાજકોટ બેઠક પરથી ભાજપને અન્ય ઉમેદવાર મેદાનમાં ઉતારવા પડશે તે નિશ્ચિત છે.