દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે અષાઢ માસ જેવી શરૂ થયેલી મેઘસવારીએ જનજીવન પ્રભાવિત કર્યું છે. જિલ્લામાં સચરાચર ત્રણથી સવા આઠ ઈંચ સુધી વરસાદ ખાબકતા અનેક સ્થળોએ પાણી ભરાયા હતા. જેના પગલે અનેક ખેતરોમાં ધોવાણ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ગત સાંજથી શરૂ થયેલા આ ધોધમાર વરસાદથી જિલ્લાના હાલ નવ ડેમ સંપૂર્ણપણે ભરાઇ ગયા છે.
ખંભાળિયા તાલુકામાં ગઈકાલે બપોરથી મેઘાવી માહોલ ત્રણેક વાગ્યે વિજળી તથા ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જે આશરે ત્રણેક કલાકના સમયગાળા દરમિયાન આશરે અઢી ઈંચ જેટલું પાણી વરસાવી ગયો હતો. આ પછી પણ ખંભાળિયા તાલુકામાં આવી રીતે મેઘાવી માહોલ વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો હતો. મધરાતે આશરે ત્રણેક વાગ્યે પણ તોફાની દોઢ ઇંચ વરસાદ વરસી જતા ઉંઘમાંથી લોકો સફાળા જાગી ગયા હતા. આ મુશળધાર વરસાદના પગલે શહેરમાં લાંબો સમય વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો.
આ પછી પણ ખંભાળિયા શહેરમાં સવારે દસ વાગ્યા સુધીમાં વધુ ધોધમાર અઢી ઈંચ વરસાદ વરસી જતા ઠેર ઠેર પાણી ચાલી નીકળ્યા હતા. આમ, આજે સવારે 10 વાગ્યા સુધીમાં ખંભાળિયા તાલુકામાં સવા આઠ ઈંચ (205 મીમી) વરસાદ વરસી ગયાનું નોંધાયું છે.
આ મુશળધાર વરસાદના પગલે ખંભાળિયા શહેરને પાણી પૂરું પાડતા ઘી ડેમમાં આશરે સાડા ત્રણ ફૂટ જેટલું પાણી આવતા ડેમની સપાટી સાડા અઢાર ફૂટ સુધી પહોંચી છે. બપોર સુધીમાં ઘી ડેમ છલકાઈ જવાની સંભાવના પણ વ્યકત કરવામાં આવી રહી છે.
ગઈકાલથી શરૂ થયેલા ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરના માર્ગોનું ધોવાણ થયું હતું. અનેક ખેતરોમાં પાણી ભરાયા છે. ખંભાળિયાથી દ્વારકા સુધી ચાલતા ફોર લેન્ડ સી.સી. રોડ ના કામમા આ વરસાદથી વાહનચાલકોએ પારાવાર હાલાકીનો સામનો કર્યો હતો. ખાસ કરીને ખંભાળિયાના પાદરમાં લાલપુર ચોકડી તેમજ ખોડીયાર મંદિર પાસેના નિર્માણાધીન બ્રિજ નજીક વરસાદી પાણીથી વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. આ વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું અને સવારે બજારો મોડી ખુલ્લી હતી. આજે સવારે 10 વાગ્યા સુધીમાં ખંભાળિયા તાલુકાનો કુલ વરસાદ 1115 મિલીમીટર (44.6 ઈંચ) નોંધાયો છે.
આ સાથે કલ્યાણપુર તાલુકામાં પણ ગઈકાલે દિવસ દરમિયાન સાડા પાંચ ઈંચ (235 મી.મી.) તથા આજે સવારે વધુ ત્રણ ઈંચ (73 મી.મી.) મળી કુલ સવા આઠ ઈંચ (208 મી.મી.) વરસાદ વરસી ગયાનું નોંધાયું છે. આથી કલ્યાણપુર તાલુકાનો કુલ વરસાદ 51 ઈંચ (1268 મિલિમીટર) નોંધાયો છે. આ ઉપરાંત દ્વારકા તાલુકામાં આજે સવારે 10 વાગ્યા સુધીમાં કુલ 104 મી.મી. મળી કુલ 31 ઈંચ (770 મી.મી.) વરસ્યો છે. જ્યારે ભાણવડ તાલુકામાં આજે સવાર સુધી ધીમીધારે કુલ ત્રણ ઈંચ (70 મી.મી) સાથે મોસમનો કુલ વરસાદ 36 ઈંચ (896 મી.મી.) વરસ્યો હોવાનું નોંધાયું છે. આ મુશળધાર વરસાદ બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા કુલ 15 પૈકી 9 જળાશયો હાલ ઓવરફ્લો થઈ ચૂક્યા છે.