જામનગર સહિત સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતા સુશાસન પર્વની ઉજવણી થઈ રહી છે. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા સરકારને સમાંતર વિરોધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. છેલ્લાં છ દિવસથી કોંગ્રેસ દ્વારા સરકારને સમાંતર કાર્યક્રમો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આજે કોંગ્રેસ દ્વારા રોજગારીની માગ સાથે જાહેરમાં ઘૂઘરા બનાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
જામનગર એનએસયુઆઇ તથા યુવક કોંગ્રેસ તેમજ જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા આજરોજ શિક્ષિત બેરોજગારી અંગે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસે બેરોજગારી દિવસની ઉજવણી કરી સરકાર વિરુધ્ધ દેખાવ કર્યા હતાં અને સરકારની નિષ્ફળતા અને બેરોજગારી મુદ્દે સરકારને ઘેરવા વિરોધ પ્રદર્શન કર્યો હતો. એનએસયુઆઈ અને કોંગ્રેસના કાર્યકરોએ લાલ બંગલા સર્કલ ખાતે કટાક્ષરૂપે ઘૂઘરા તળી ઘૂઘરા વેંચ્યા હતાં અને રાજ્યમાં બેરોજગારી વધતી હોય શિક્ષિત મુશ્કેલીમાં હોવાનો રાજ્ય સરકાર વિરૂધ્ધ આક્ષેપ કર્યો હતો અને શિક્ષિત બેરોજગારોને રોજગારી આપવા સરકાર પાસે માગણી કરી હતી અને શિક્ષિત બેરોજગારોની વેદના સરકાર સુધી પહોંચાડવા પ્રયાસ કર્યો હતો.
આ તકે ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, એનએસયુઆઇના પ્રમુખ મહિપાલસિંહ જાડેજા, કોર્પોરેટરો નુરમામદ પલેજા, જેનબબેન ખફી, આનંદ રાઠોડ, કોંગ્રેસ અગ્રણી સહારાબેન મકવાણા, કર્ણદેવસિંહ જાડેજા સહિતના હોદેદારો-અગ્રણીઓ-કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.