જામનગર જેલ વિભાગના કર્મચારીઓ દ્વારા તેમની પગાર વધારા ઉપરાંત જૂની પેન્શન યોજના, શીફટ વાઈઝ નોકરી ફરજિયાત સહિતના મુદ્દે આજે જેલ પટાંગણમાં ધરણાં પર બેઠાં હતાં.
મળતી વિગત મુજબ, જામનગર જિલ્લા જેલના પોલીસકર્મચારીઓ દ્વારા બે દિવસ પહેલાં તેમની વિવિધ માંગણીઓ સંદર્ભે કલેકટરને આવેદનપત્ર પાઠવી આ માંગણીઓ ઉકેલવા રજૂઆત કરી હતી અને આ માંગણીઓ સંદર્ભે આજે જામનગર જિલ્લા જેલના પટાંગણમાં જ જેલ કર્મચારીઓએ ધરણાં યોજ્યા હતાં. જેલ કર્મચારીઓ દ્વારા તેમને પોલીસકર્મચારીઓની કેડરમાં જ ગણવામાં આવે ઉપરાંત તેઓેને પોલીસ આર્ટીકલ સારી ગુણવતાવાળા રેગ્યુલર આપવામાં આવે જે આજ દિ સુધી આપવામાં આવ્યા નથી તેમજ જેલ વિભાગમાં પણ ખાતાકીય પરીક્ષાઓ શરૂ કરવા તથા ઉપરાંત ફિકસ પગાર તાલીમ પૂરતો જ રાખવો અને તાલીમ પૂર્ણ થયે ફુલ પગાર ધોરણ આપવું તેમજ તાલુકા સબ જેલ જેલ હસ્તક લેવા યોગ્ય રજૂઆત કરવી અને જેલ કર્મચારીઓની શિક્ષામાં સુધારા કરી ઈજાફા રોકવા તથા એક વિકલી ઓફ ફરજિયાત આપવા અને કોઇ પણ જેલ પોલીસ કર્મચારીને ફરજ મુકત કરવામાં આવે ત્યારે તેનો સસ્પેન્સ સમયગાળો નિશ્ચિત કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.
ઉપરાંત જેલ સિપાઈ, હવલદાર, સુબેદારનો ગ્રેડ પે અન્ય રાજ્યોના પ્રમાણમાં ખૂબ જ ઓછો હોવાથી તેને બદલે 2800, 3600 અને 4200 કરવા તથા 7મા પગારપંચનો લાભ આપવા તેમજ જે રજા પગારનું ચૂકવણું કરવામાં આવે છે તે છઠ્ઠા પગારપંચ મુજબ નહીં પરંતુ, સાતમા પગારપંચ મુજબ કરવામાં આવે અને જૂની પેન્શન યોજના લાગુ કરવા તથા શીફટવાઈઝ નોકરી ફરજિયાત કરવા ઉપરાંત જેલ પોલીસ કર્મચારીઓને ચોમાસા, શિયાળા અને ઉનાળા જેવી ઋતુમાં શારીરિક સુરક્ષાના પર્યાપ્ત સાધનો ફાળવવા સહિતની માંગણીઓ પુર્ણ કરવા માટે આજે ધરણાં યોજવામાં આવ્યાં હતાં અને બે દિવસ પહેલાં જ કલેકટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું.