શેરબજારમાં કામકાજનો સમયગાળો વધારવા ફરી એક વખત ચક્રો ગતિમાન થયા છે. નેશનલ સ્ટોક એકસચેંજે પ્રથમ તબકકે ફ્યુચર એન્ડ ઓપ્શન માટે સાંજે 6 થી 9નું સાંજનું સેશન શરૂ કરવાની દરખાસ્ત કરી છે અને પછી તે લંબાવીને 11.30 કરાશે. શેરબજારમાં હાલ સવારે 9-15 થી બપોરે 3-30 કામકાજ થાય છે.
કેટલાંક વખતથી કામકાજનો સમય વધારવાની વિચારણા ચાલી રહી હતી. નેશનલ સ્ટોક એક્સચેંજે હવે 6 થી 9 દરમિયાન માત્ર ફ્યુચર એન્ડ ઓપ્શન માટે સેશન શરૂ કરવા દરખાસ્ત કરી છે. સવારના સેશન કરતાં આ વધારાનું સેશન હશે. એટલે સેટલમેન્ટ જેવી પ્રક્રિયા અલગ રાખવાની દરખાસ્ત છે. વૈશ્ર્વિક કારણોથી પડતી અસરથી વધઘટ બીજા દિવસે આવે છે અને તેમાં સોદા સરખા કરવાની તક મળતી નથી. મોટી નુકશાની વેઠવી પડે છે. આ સ્થિતિ નિવારવા માટે કામકાજનો સમય વધારવાની હિલચાલ છે. કામકાજનો સમય વધારવાથી વોલ્યુમ પણ વધી શકે કારણ કે હાલ ઘણા મોટા સોદા ગીફટ સીટી-નિફટીમાં થાય છે. સુત્રોના કહેવા પ્રમાણે નેશનલ સ્ટોક એક્સચેંજ કામકાજ લંબાવવાની દરખાસ્ત સેબીને કરી દીધી છે, સેબીએ અગાઉ જ શેર બજારોને રાત્રે 11.55 સુધી કામકાજ ચાલુ રાખવાની છુટ્ટ આપી દીધી હતી. એનએસઇ કેટલાંક વખતથી ટોચના બ્રોકરો સાથે મંત્રણા કરી રહ્યું હતું. સલાહકાર સમિતિ સાથે પણ બેઠક કરી હતી.