જામનગર શહેરના વાલ્કેશ્વરીનગરીમાં રહેતાં વકીલના બંગલામાંથી લાખોની કિંમતના દાગીના અને રોકડની ચોરી થતાં શહેરીજનોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.વકીલ પરીવાર સાથે પાલીતાણા ગયા હોવાથી ચાર દિવસ બંધ રહેલાં બંગલાને તસ્કરોએ નિશાન બનાવ્યો હતો. જોકે,પરિવાર પરત આવ્યા બાદ ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરાશે.
સાતમ-આઠમના તહેવાર દરમ્યાન શહેરના પોશ વિસ્તાર ગણાતા વાલ્કેશ્વરીનગરીમાં ફેઇઝ-2માં પ્લોટ નં.143-બી માં ‘અરિહંત’ બંગલમાં રહેતાં અને દ્વારકામાં વકીલાત કરતાં રાજેશ અંનતરાય શેઠ તેના પત્ની, પુત્રી અને પુત્ર સાથે ચાર દિવસની પાલીતાણાની યાત્રાએ ગયા હતાં અને ત્યાં દ્વારકામાં નિર્માણ પામેલા દેરાસરનું મૂહુર્ત નકકી કરવા જૈનાચાર્યના દર્શાનાર્થે ગયા હતાં. તે દરમ્યાન રેઢાં પડેલા બંગલાને તસ્કરોએ નિશાન બનાવ્યો હતો અને બંગલાનો દરવાજો તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો. તેમજ રૂમના કબાટમાં રહેલાં લોકરને ચાવી વડે ખોલી તેમાંથી લાખોની કિંમતના સોના-ચાંદીના દાગીના તેમજ લાખોની રોકડની ચોરી કરી ગયા હતાં.
આ ઘટનાની જાણ કરાતા પીઆઇ કે.જે.ભોયે તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને એફએસએલ તેમજ ગુના શોધક શ્ર્વાનની મદદ વડે ચોરીનો ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી. જોકે, પોલીસે સ્થળ પર પહોંચી મકાન માલીકને જાણ કરી હતી. જેથી મકાનમાલીક તેમના પરિવાર સાથે જામનગર પરત આવવા રવાના થયા હતાં. ચોરીના બનાવમાં કેટલાની કિંમતના દાગીના અને કેટલી રોકડની ચોરી થઇ છે તે વકીલના આવ્યા બાદ જ વિગતો જાહેર થશે. પોલીસે આજુ-બાજુના સીસીટીવી ફુટેજો મેળવવા તપાસ આરંભી હતી.