જામનગર શહેરમાં વામ્બે આવાસ, ત્રણ માળિયા ક્વાર્ટરમાં રહેતા અને મજૂરીકામ કરતાં વૃઘ્ધના બંધ મકાનમાંથી અજાણ્યા તસ્કરો એક લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ગયા હતાં.
ચોરીના બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં વામ્બે આવાસ, જૂના ત્રણ માળિયા ક્વાર્ટરમાં બ્લોક નંબર 19, રૂમ નંબર 24માં રહેતાં સુરેશભાઇ જીવરાજભાઇ મકવાણા (ઉ.વ.62) નામના વૃઘ્ધ તેના પરિવાર સાથે બહારગામ ગયા હતા. તે દરમ્યાન તા. 13ના બપોરે બાર વાગ્યાથી તા. 14ના રાત્રિના સાડા અગિયાર વાગ્યા સુધીના સમય દરમ્યાન અજાણ્યા તસ્કરોએ રસોડાનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશી રૂમમાં રાખેલા પતરાંના કબાટની તિજોરી તોડી તેમાંથી રૂપિયા 20 હજારની કિંમતની કાનમાં પહેરવાની સોનાની બુટીની જોડ એક, રૂપિયા 15 હજારની કિંમતની સોનાની કારની સર એક, રૂા. 41,200ની કિંમતની સોનાની ત્રણ વિંટી તથા રૂા. 5900ની કિંમતનો હાથમાં પહેરવાનો ચાંદીનો પટ્ટો અને રૂપિયા 20 હજાર રોકડા તથા રૂપિયા 500ની કિંમતનું સોનાનું કાનનું બુટિયુ સહિત કુલ રૂપિયા 1,06,200ની કિંમતની માલમત્તા ચોરી કરી ગયા હતા.
ત્યારબાદ બહારગામથી પરત ફરેલા વૃઘ્ધના પરિવારજનોને ઘરમાં ચોરી થયાનું જણાતા પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પીએસઆઇ એસ. એમ. સિસોદિયા તથા સ્ટાફએ સ્થળ પર પહોંચી જઇ અજાણ્યા તસ્કરો વિરૂઘ્ધ ગુનો નોંધી તસ્કરોનું પગેરૂ મેળવવા તજવીજ હાથ ધરી હતી.


