ઉત્તર પ્રદેશમાં અયોધ્યામાં જે સ્થળે રામ મંદિરનું નિર્માણ કામ ચાલી રહ્યું છે તે કોમ્પ્લેક્સની આસપાસ દારુની દુકાનોના લાઇસંસ રદ કરવાનો નિર્ણય યોગી આદિત્યનાથની સરકારે લીધો છે. જેને પગલે રામ મંદિરની આસપાસ દુર સુધી કોઇ દારુ નહીં વેચી શકે. ઉત્તર પ્રદેશમાં સંતો દ્વારા માગણી કરવામાં આવી હતી કે રાજ્યના દરેક ધાર્મિક સ્થળોની આસપાસ દારુ વેચવા પર પ્રતિબંધ મુકવામાં આવે. અગાઉ મથુરા અને વૃદાવનમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ મટન વેચવા પર પ્રતિબંધ મુકતો આદેશ જારી થયો હતો. હવે અયોધ્યામાં રામ મંદિર વાળા વિસ્તારની આસપાસ દારુ નહીં વેચી શકાય.
બીજી તરફ આઇટી વિભાગે દેશભરમાં દારુના વેપારીઓ પર તવાઇ બોલાવી હતી. આઇટી વિભાગના અધિકારીઓએ દેશભરના આશરે 400 જેટલા સ્થળોએ દરોડા પાડયા હતા. જેમાં મુંબઇ, દિલ્હી, ગુરુગ્રામ જેવા શહેરો સહિત પાંચ રાજ્યોનો સમાવેશ થાય છે. ટેક્સ ચોરી મામલે આ દરોડા પાડવામાંં આવ્યા હતા. આ દરમિયાન કેટલાક પુરાવા પણ વિભાગ દ્વારા એકઠા કરવામાં આવ્યા હતા. મુંબઇમાં પણ સ્થાનિક આઇટી વિભાગની ટીમ બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ સ્થિત એમ્બેસી ગુ્રપની ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા હતા.દારૂના વેચાણ પર પ્રતિબંધ
આ દરોડા દરમિયાન કોઇને જ બહાર જવા કે બહારથી આવતા અટકાવી દેવાયા હતા. આ જ રીતે દેશભરમાં 400 જેટલા સ્થળો દરોડા પાડવામાં આવ્યા છે. દારુના વેપારીઓ દ્વારા ટેક્સ ચોરી થઇ રહી હોવાનું સામે આવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. જે પણ રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યા છે તેમાં હરિયાણા, દિલ્હી, મહારાષ્ટ્રનો પણ સમાવેશ થાય છે.