જામનગર મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ શાખા દ્વારા જાહેર માર્ગો પર ધાસચારાનું વેચાણ કરતાં વ્યકિતઓ વિરૂધ્ધ કાર્યવાહી અંતર્ગત 169 આસામીઓનો ધાસચારો જપ્ત કરી રૂા.68,000ના વહિવટી ચાર્જની વસુલાત કરી હતી. તેમજ એક આસામી વિરૂધ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. ઓગસ્ટ માસમાં જામ્યુકો દ્વારા 146 જેટલાં રખડતાં અબોલ પશુઓને પકડવામાં આવ્યા હતાં.
જામનગર શહેરના મુખ્ય રાજમાર્ગો પર ઘણાં સમયથી અબોલ પશુઓ અડિંગો જમાવી બેસતાં હોય છે. જેના કારણે ટ્રાફિક સમસ્યા વધુ વકરતી જાય છે શહેરના રાજમાર્ગો પર અબોલ પશુઓની કાયમી સસ્યાના ઉકેલ માટે અવાર નવાર રજૂઆતો અને આશ્ર્ચર્યજનક કાર્યક્રમો કરવમાં આવ્યા છે. હાલમાં જ રણજીત રોડ પર મહિલા ઉપર અબોલ પશુ દ્વારા હુમલો કરાયાની ગંભીર ઘટનાબાદ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ શાખા દ્વારા માર્ગો પરથી પશુઓ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને આ મામલે મ્યુશિપલ કમિશનર દ્વારા જાહેરમાર્ગ પર રખડતાં અબોલ પશુઓના માલિકો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ સહિતની કાર્યવાહી કરવાનું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું હતું.
આ સમસ્યાના નિરાકરણ માટે મહાનગરપાલિકા દ્વારા 30 જેટલાં રોજમદારોને માર્ગો પર રખડતાં-ભટકતાં અબોલ પશુઓને હટાવવાની કામગીરી સોંપવામાં આવી છે. સાથે સાથે સોલિટ વેસ્ટ શાખા દ્વારા ઓગસ્ટ માસ દરમ્યાન જાહેર માર્ગો પર બેસીને ગેરકાયદેસર રીતે ધાસચારાના વેચાણ કરતાં 169 આસામીઓનો ધાસચારાનો જથ્થો જપ્ત કરી 68,000નો વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે. તેમ જ આ ઓગસ્ટ માસમાં 146 જેટલાં અબોલ પશુઓને પકડવામાં આવ્યા છે. ઉપરાંત લાલપુર રોડ પર જાહેરમાં ધાસચારાનું વેચાણ કરતાં લાલજી રામજી પરમાર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ કડક કાર્યવાહી અવિરત ચાલુ રહેશે અને જાહેર માર્ગો પરથી પશુઓને પકડવાની અને તેના માલિકો વિરૂધ્ધ ફરિયાદ નોંધવાની કામગીરી પણ શરૂ કરવામાં આવશે તેમ સોલિડ વેસ્ટ શાખાના ઇજનેર દ્વારા જણાવવામાં આવ્યું છે.