ભાણવડ તાલુકાના ટિંબડી ગામે રહેતા એક વૃદ્ધ દ્વારા પોતાની ખેતીની કિંમતી જમીન એક આસામીને ખેડવા આપવામાં આવ્યા બાદ આ શખ્સ દ્વારા આ જમીન ઉપર કબજો જમાવી દેતા તેની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણ અંગે ભાણવડ તાલુકાના ટિંબડી ગામે રહેતા રામાભાઈ નાથાભાઈ હુણ નામના 60 વર્ષના વૃદ્ધ દ્વારા પોલીસમાં જાહેર કરેલી વિગત મુજબ આ જ ગામના ડાયા ઉર્ફે ભુપત બાવા શામળા નામના શખ્સને તેમણે પોતાની રેવન્યુ સર્વે નંબર 235 ની આશરે સાડા પાંચ વીઘા જેટલી જમીનની વર્ષ 2012માં ખરીદી કરી અને થોડા સમય બાદ આરોપી ડાહ્યા ઉર્ફે ભુપતને વાર્ષિક રૂા. 10,000 થી ખેડવા માટે આપી હતી.
આ જમીન આરોપી ખેડતા હતા. પરંતુ તેના દ્વારા છેલ્લા પાંચેક વર્ષથી ફરિયાદી રામાભાઈ રબારીને આપવાના થતા પૈસા નહીં આપી અને આ જમીન ખાલી પણ ન કરતા આ અંગે રામાભાઈ દ્વારા ડાયા શામળા સામે આશરે રૂપિયા 27 લાખની કિંમત પર ગેરકાયદેસર રીતે કબજો કરી રાખી અને આ જમીન પચાવી પાડવા સબબ ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ એએસપી રાઘવ જૈન દ્વારા હાથ ધરવામાં આવી છે.